અમદાવાદ, 26 જુલાઇઃ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટનું નામ બદલીને Jio Financial Services Limited (JFSL) રાખવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સના ડિમર્જર બાદ કંપનીનું નામ બદલવામાં આવ્યું છે. ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસના નામમાં ફેરફાર 25 જુલાઈથી અમલી બની ગયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જને ફાઈલિંગ દ્વારા માહિતી આપી છે. બિઝનેસનું ડિમર્જર 1 જુલાઈથી લાગુ થઈ ગયું છે. કંપનીના નામમાં આ ફેરફાર નવા સ્ટોકના લિસ્ટિંગ પહેલા જોવામાં આવ્યો છે.

કંપનીનું લિસ્ટિંગ ટૂંક સમયમાઃ 20 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જમાં ખાસ પ્રી-ઓપન સેશનમાં JFSLનું મૂલ્ય શેર દીઠ રૂ. 261.85 નક્કી કરવામાં આવ્યું હતું. આ રીતે, માર્કેટ કેપિટલાઇઝેશન 1.66 લાખ કરોડ રૂપિયા અથવા લગભગ $20.3 અબજ થઈ છે. આ મૂલ્યાંકન સાથે, કંપની ભારતમાં બીજી સૌથી મોટી NBFC બની છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું લિસ્ટિંગ આગામી કેટલાક મહિનામાં થવાની સંભાવના છે અને કંપનીની એજીએમમાં નવા બિઝનેસ સંબંધિત પ્લાનની જાહેરાત કરવામાં આવી શકે છે. ડિજિટલ ફર્સ્ટ એન્ટિટી તરીકે, JFSL એ ધિરાણ વ્યવસાય તેમજ વીમા, ચૂકવણી, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી અન્ય નાણાકીય સેવાઓમાં રસ દાખવ્યો છે. JFSL સ્થિર ભાવ સાથે નિફ્ટી50, BSE સેન્સેક્સ અને અન્ય ઈન્ડેક્સ પર લિસ્ટેડ છે. જેએફએસએલના શેરોને કંપનીના શેરનું લિસ્ટિંગ નિયત કિંમત સાથે લિસ્ટેડ કરવામાં આવ્યા છે.