પારસ હેલ્થકેર લિમિટેડે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 5 જૂનઃ પારસ હેલ્થકેર લિમિટેડે IPO માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની આઠ હોસ્પિટલ્સના નેટવર્ક દ્વારા ટર્શરી અને ક્વાટર્નરી હેલ્થકેર સર્વિસીસ પૂરી પાડે છે. આ હોસ્પિટલ્સ સમગ્ર ઉત્તર ભારત, બિહાર અને ઝારખંડમાં 31 માર્ચ, 2026ના રોજ 2,211 બેડ્સની કુલ બેડ ક્ષમતા ધરાવે છે.

પારસ હેલ્થકેર લિમિટેડ “પારસ હેલ્થ” બ્રાન્ડ હેઠળ કામ કરે છે અને તે પાંચ રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશમાં હાજરી ધરાવે છે. કંપની હરિયાણાના ગુરુગ્રામ અને પંચકુલા, બિહારના પટણા અને દરભંગા, ઉત્તર પ્રદેશના કાનપુર, રાજસ્થાનના ઉદયપુર, ઝારખંડના રાંચી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પોતાની હોસ્પિટલોનું સંચાલન કરે છે. ડો. ધરમિન્દરકુમાર નાગર કંપનીના પ્રમોટર છે.

આ ઓફરમાં રૂ. 500 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ તેમજ વેચાણકર્તા શેરધારક દ્વારા રૂ. 1,300 કરોડ સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) નો સમાવેશ થાય છે. ઓફરની કુલ સાઇઝ રૂ. 1,800 કરોડ સુધીની રહેશે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1 નક્કી કરવામાં આવી છે. કંપની આ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે:

  • કંપનીએ લીધેલી કેટલીક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક પૂર્વચુકવણી અથવા નિયત સમય મુજબની ચુકવણી માટે
  • કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પીએમએચપીએલ (જે શ્રીનગરમાં હોસ્પિટલનું સંચાલન પણ કરે છે) માં રોકાણ કરવા માટે, જેથી પીએમએચપીએલ દ્વારા લેવામાં આવેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અથવા પૂર્વચુકવણી કરી શકાય અને
  • સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

પારસ હેલ્થકેર લિમિટેડે તેના હોસ્પિટલ નેટવર્કના વિસ્તરણ માટે મજબૂત યોજના તૈયાર કરી છે. કંપની ગુરુગ્રામમાં 300 બેડ ક્ષમતાવાળી હોસ્પિટલ અને લુધિયાણામાં 500 બેડ ક્ષમતાવાળી હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ હોસ્પિટલો અનુક્રમે નાણાંકીય વર્ષ 2027 અને નાણાંકીય વર્ષ 2028 સુધી શરૂ કરવાની કંપનીની યોજના છે. તેના પરિણામે, 31 માર્ચ, 2028 સુધીમાં કંપનીની કુલ બેડ ક્ષમતા વધીને 3,011 બેડ સુધી પહોંચવાની અપેક્ષા છે.

છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જે તેના હોસ્પિટલ નેટવર્કમાં દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને કારણે શક્ય બની છે. કામગીરીમાંથી મળતી આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,129.039 કરોડથી 19.26 ટકાના સીએજીઆરથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 1,605.952 કરોડ થઈ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે તેની મેચ્યોર હોસ્પિટલોમાં ઓક્યુપાઇડ બેડ ડેઝ અને એઆરપીઓબી (એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઇડ બેડ) માં થયેલા વધારાને કારણે નોંધાઈ છે, જે ઉચ્ચ જટિલતાવાળી સારવાર સેવાઓ અને વિશિષ્ટ ક્લિનિકલ કાર્યક્રમો પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના પરિણામે મળી છે. કંપનીની એબિટા  પણ નાણાંકીય વર્ષ 2024ના રૂ. 154.411 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 335.577 કરોડ થઇ છે, જે 47.41 ટકા સીએજીઆર વૃદ્ધિ દર્શાવે છે. સાથે જ, નવી અને વિકાસના તબક્કામાં આવેલી હોસ્પિટલો ધીમે ધીમે પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થવા લાગતાં ઓપરેશનલ લિવરેજમાં સુધારો થયો છે, જેના કારણે એબિટા માર્જિનમાં પણ વધારો નોંધાયો છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

LEAD MANAGERS: જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)