રિટેલ ફુગાવો ઓગસ્ટમાં અપેક્ષા કરતાં વધુ ઘટ્યો, આરબીઆઈ દરો યથાવત રાખશે
નવી દિલ્હી
દેશમાં મોંઘવારીનો બોજો ઓગસ્ટ માસમાં હળવો થયો છે. જે જુલાઈમાં 7.44 ટકાની 15 માસની ટોચેથી ઘટી ઓગસ્ટમાં 6.83 ટકા નોંધાયો છે. 12 સપ્ટેમ્બરના રોજ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, સતત બીજા મહિને ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 2-6 ટકાની સહનશીલતા મર્યાદાની ઉપરની સીમા કરતાં ઊંચો આવ્યો છે.
ખાદ્ય ચીજોનો રિટેલ મોંઘવારી દર ઓગસ્ટમાં ઘટી 9.94 ટકા થયો છે. જે જુલાઈમાં 11.51 ટકા હતો. જેની પાછળનું કારણ બટાટા-ડુંગળી, ટામેટાં સહિતના શાકભાજીઓના ભાવમાં રાહત છે. ટામેટાનો ભાવ જુલાઈમાં આકાશે આંબ્યો હતો. જે ઘટી ઓગસ્ટમાં 21.7 ટકા, બટાટાનો રિટેલ ફુગાવો 2.3 ટકા નોંધાયો હતો.
ફુગાવામાં રાહત વ્યાજદરો જાળવી રાખશે
– વિવેક રાઠી, ડિરેક્ટર-રિસર્ચ, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા
રિટેલ ફુગાવો સતત બીજા મહિને તેની મર્યાદા કરતાં વધુ નોંધાયો હોવા છતાં ઓક્ટોબરની આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજદરો જાળવી રાખશે. આરબીઆઈએ અત્યાર સુધીના તેના નીતિગત નિર્ણયમાં ફુગાવાના જોખમોને ધ્યાનમાં લીધા છે. જે નિર્ણાયક છે, કારણ કે દરમાં કોઈપણ વધારો પરિવારો પર બોજો વધારી શકે છે. અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટર ખાસ કરીને સ્થિર અને ટકાઉ વ્યાજ દર નિર્ભર છે અને આ સેગમેન્ટ માટે રેટ વિરામ મહત્વપૂર્ણ છે. ફુગાવાના સ્તરમાં ઘટાડો થવાથી રિયલ એસ્ટેટ ઉદ્યોગને રાહત મળશે કારણ કે વ્યાજ દરની આસપાસની અપેક્ષાઓ તેના માર્ગ પર ટકી રહી છે.