SME IPOની લોટ સાઈઝ વધારીને રૂ.5 લાખ કરવા સેબીની વિચારણા
મુંબઇ, 18 જુલાઇઃ MSME આઇપીઓમાં ચાલી રહેલી ગેરરિતીઓને અટકાવવા માટે સત્તાવાળાઓ દ્વારા વધુ એક આકરાં પગલાંના ભાગરૂપે ઇશ્યૂમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની ન્યૂનતમ રકમ વધારી રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત સપ્તાહે નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના આઇપીઓમાં વોલેટિલિટીને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ ઈશ્યુ ભાવથી 90%થી વધુ ન થઈ શકવાનો નિર્ણય લાદતા રોકાણકારો અને વિશ્લેષકોમાં ભારે અસમંજસતા સર્જાઇ હતી કે એનએસઈ કઈ રીતે ભાવ નક્કી કરી શકે, કારણકે એક્સચેન્જનો આ નિયમ તો કંપનીની માર્કેટ પ્રાઈસ વેલ્યુએશન ડિસ્કવરીના મુક્ત બજાર પર અસર કરી શકે છે.
સાથે સાથે સેબીએ પણ આકરાં નિયંત્રણનો કોરડો વિંધવા સાથે એસએમઈના આઈપીઓ માર્કેટથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝ એટલે કે ઓફર વધારીને ન્યૂનતમ રોકાણ મર્યાદા રૂ. 5 લાખ સુધી નિર્ધારિત કરી શકે છે. તાજેતરમાં એસએમઈ આઈપીઓ ઓફર્સમાં ભારે સટ્ટાકીય પ્રવૃત્તિ જોવા મળી છે. એસએમઈ શેર માટેના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ મારકઉત નાણાકીય વર્ષ 2024માં 137 જાહેર ઈશ્યુ દ્વારા રૂ. 4622 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આ આંકડો 2017-18ના 87 ઈશ્યુના રૂ. 1442 કરોડના અગાઉના રેકોર્ડ કરતા ઘણો વધારે છે.
વાયદા બજારમાં વધતા રિટેલ ભાગીદારીને કાબૂમાં લેવા માટે સેબીની એક સમિતિએ લોટ સાઈઝ 5 લાખ રૂપિયાથી વધારીને 20-30 લાખ રૂપિયા કરવાની ભલામણ કર્યા બાદ હવે એસએમઈ સેગમેન્ટમાં પણ રિટેલ રોકાણકારોના ધસારાને કાબૂમાં લેવા માટે સેબી આકરા પાણીએ આવી શકે છે. મોટી માછલીઓની રમતમાં નાના રોકાણકારો છેતરાઈ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર કરવા સેબી હવે એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝને વધારીને રૂ. 5 લાખ સુધી કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)