વિદેશી રોકાણકારોનો ઈક્વિટી બજારોમાં હિસ્સો ઘટી 20 ટકા
- બે વર્ષ સતત લેવાલ બાદ 2021-22માં મોટાપાયે વેચવાલી કરી
ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી ફંડ્સની માલિકી માર્ચમાં ઘટી 19.5 થઈ છે. એનએસઈ500 કંપનીઓની વેલ્યૂ 619 અબજ ડોલર થવા સાથે વિદેશી ફંડ્સની માલિકી પ્રિ-કોવિડ સ્તરથી ઘટી છે. એફપીઆઈનો હિસ્સો માર્ચ 2022માં 19.5 ટકાના ઘટાડા સાથે 3 વર્ષના તળિયે પહોંચ્યો છે. અગાઉ માર્ચ,2019માં 19.3 ટકા હતો. વાર્ષિક ધોરણે વિદેશી રોકાણકારોનો હિસ્સો 21.2 ટકા રહ્યો હતો. વોલ સ્ટ્રીટ બ્રોકરેજ બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ઈક્વિટી બજારોમાં ડિસેમ્બર, 2017માં વિદેશી ફંડ્સની માલિકી 18.6 ટકાના પાંચ વર્ષના તળિયે હતી. જે ડિસેમ્બર, 2021માં વધી 21.4 ટકા થઈ હતી. નાણાકીય વર્ષ 2021-22માં વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલીને ટેકો સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આપ્યો છે. જેઓમાં માર્ચમાં 6 અબજ ડોલરના રોકાણ સાથે વર્ષ દરમિયાન કુલ 14.6 અબજ ડોલરનું રોકાણ કર્યુ હતું. 2020માં 23 અબજ ડોલર અને 2021માં 3.7 અબજ ડોલરનું રોકાણ કર્યા બાદ વિદેશી રોકાણકારોએ 2021-22માં 15.7 અબજ ડોલરની વેચવાલી દર્શાવી હતી. ભારતીય શેર બજારોની તેજીના લીધે વર્ષના પ્રથમ છ માસમાં વિદેશી રોકાણકારોએ ફંડ પાછું ખેંચી પ્રોફિટ બુક કર્યો હતો. બાદમાં જિયો પોલિટિકલ ક્રાઈસિસ, વધતા ફુગાવાને કારણે સપ્લાય પડકારો, વ્યાજવૃદ્ધિની અસરોના કારણે એફપીઆઈએ સતત છ માસ સુધી વેચવાલી દર્શાવી હતી.
એનર્જી સ્ટોક્સમાં વિદેશી રોકાણકારોનું વર્ચસ્વ વધુ
વિદેશી રોકાણકારોએ સૌથી વધુ રોકાણ એનર્જી સ્ટોક્સમાં કર્યુ છે. વિદેશી રોકાણકારોના કુલ રોકાણ 619 અબજ ડોલરના 16.2 ટકા રોકાણ એનર્જી શેર્સમાં જ્યારે 14.8 ટકા રોકાણ આઈટી શેર્સમાં જોવા મળ્યુ છે. કોમ્યુનિકેશન સર્વિસિઝમાં 4 ટકા હિસ્સો રહ્યો હતો. એકંદરે ફંડ ફાળવણીમાં ફાઈનાન્સિયલ સેગમેન્ટમાં 31.4 ટકા રોકાણ જોવા મળ્યુ હતું.
ઉભરતા બજારોમાં ભારતમાં આકર્ષણ વધ્યુ
ઉભરતા બજારોમાં વિદેશી રોકાણકારોનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યુ છે. ભારતમાં જાન્યુઆરી,2021માં 13.3 ટકા હિસ્સો વધી માર્ચ, 2022માં 19 ટકા થયો હતો. જ્યારે ચીનમાં જાન્યુઆરી, 2021માં 42.2 ટકા ઘટી માર્ચ, 2022માં 34.6 ટકા થયો છે. અન્ય બજારોની તુલનાએ ભારતમાં પ્રિમિયમની વેલ્યુએશન 38 ટકા છે. તાઈવાન, કોરિયા અને ફિલિપિન્સમાંથી પણ વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરી છે. ગત નાણાકીય વર્ષમાં માર્ચમાં સૌથી વધુ 5.4 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચાયુ હતુ.