નવી દિલ્હી, 24 મેઃ આ વર્ષે એકંદર પગાર વૃદ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં, વિવિધ ઉદ્યોગોમાં 41% થી વધુ જોબ પ્રોફાઇલ્સમાં કાયમી અને અસ્થાયી નોકરીઓ વચ્ચે પગારનો તફાવત માત્ર 5% હોવાનું જોવા મળ્યું છે. સેલ્સ અને આઈટી ક્ષેત્રે નોકરીઓની માંગ ઘણી ઊંચી રહી છે.

રોજગારી, રોજગારીની તકો તથા ઈ-વર્કફોર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહેલા સ્ટાફિંગ ગ્રુપ ટીમલીઝ સર્વિસીઝે નાણાંકીય વર્ષ 2022-2023 માટે તેનો મુખ્ય ‘જોબ્સ એન્ડ સેલેરી પ્રાઈમર રિપોર્ટ’ બહાર પાડ્યો છે. તે અનુસાર વિવિધ ઉદ્યોગોમાં 3.20% અને 10.19% ની વચ્ચે પગાર વૃદ્ધિની રેન્જ દર્શાવે છે, જે પાછલા વર્ષની સરખામણીમાં થોડી ધીમી છે.બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદ સૌથી વધુ પગાર આપતા શહેરો છે

સર્વેક્ષણમાં સમાવિષ્ટ મોટા ભાગના ઉદ્યોગોએ “હોટ જોબ્સ”ની રચનાનો સંકેત આપ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં બેંગ્લોરમાં 7.79%નો પ્રભાવશાળી વિકાસ દર છે. તેનાથી વિપરીત બીએફએસઆઈ સેગમેન્ટમાં બે વર્ષની સતત વૃદ્ધિ પછી આ વર્ષે સરેરાશ પગારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે, પે-આઉટમાં ઘટાડો થયો હોવા છતાં, બીએફએસઆઈ ઉદ્યોગ હજુ પણ વિવિધ પ્રકારની જોબ પ્રોફાઇલ્સ બનાવી રહ્યું છે જે આકર્ષક હોય અને લાંબો સમય સુધી ચાલે તથા વેતનને ઓપ્ટિમાઇઝ કરવાના પગલાંનો અમલ પણ કરે.

ટેલિકોમ ઉદ્યોગમાં સરેરાશ પગારમાં ઘટાડો હોવા છતાં, અહેવાલ બેંગાલુરુમાં ટેલિકોમ સેક્ટરમાં રિલેશનશિપ મેનેજરની ભૂમિકામાં આશ્ચર્યજનક 10.19% વધારો દર્શાવે છે, જે તેને બજારમાં સૌથી વધુ વેતન આપતી નોકરી બનાવે છે. ત્યારબાદ 9.30%ના વધારા સાથે મીડિયા અને મનોરંજનમાં ગેમ ડેવલપરનો રોલ છે જે પણ બેંગાલુરુમાં આકર્ષણ જમાવે છે. સમગ્ર ક્ષેત્રોમાં, જ્યારે સરેરાશ પગાર વધારો 8.03% પર સ્થિર હતો, ત્યારે 10.19%નો મહત્તમ વધારો અગાઉના વર્ષ કરતાં થોડો ઓછો હતો.

ટેલિકોમ, મીડિયા અને મનોરંજન, IT, નોલેજ સર્વિસીસમાં 9%થી વધુ પગાર વૃદ્ધિ

પોતાના મંતવ્યો રજૂ કરતાં ટીમલીઝ સર્વિસીઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર-સ્ટાફિંગ, કાર્તિક નારાયણે જણાવ્યું હતું કે, વૈશ્વિક છટણી અને ભંડોળની કટોકટી જેવા સામાજિક આર્થિક પરિબળોને લીધે, સરેરાશ પગાર વૃદ્ધિ ગયા વર્ષની સરખામણીએ થોડી ઓછી રહી છે, તેમ છતાં ભારતીય જોબ માર્કેટ સતત વિકસિત થઈ રહ્યું છે. તમામ પ્રોફાઇલ પૈકી આશ્ચર્યજનક રીતે 41% પ્રોફાઈલ્સમાં કાયમી અને અસ્થાયી નોકરીઓ માટે વળતરના માળખા વચ્ચે 5% કરતા ઓછો પગાર તફાવત છે, જે કામચલાઉ રોજગારની વધતી સમાનતા દર્શાવે છે.

વધુમાં રિપોર્ટના તારણો અનુસાર, છેલ્લા 5 વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્રના 8માંથી 5 ઉદ્યોગોના સરેરાશ પગારમાં અને સર્વિસિંગ ક્ષેત્રમાં 9માંથી 3ના સરેરાશ વેતનમાં પ્રભાવશાળી ડબલ-ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે જ્યારે હેલ્થકેર અને સંલગ્ન ક્ષેત્રોમાં સૌથી વધુ 20.46% અને શિક્ષણ ક્ષેત્રે 51.83%ની વૃદ્ધિ જોવા મળી છે. વધુમાં, હોસ્પિટાલિટી, ઓટોમોબાઈલ અને એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈ-કોમર્સ અને ટેક સ્ટાર્ટ-અપ્સ અને મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ જેવા ઉદ્યોગોમાં ઘટાડો જોવા મળ્યો છે.

17 ઉદ્યોગોમાંથી 11 નવી હોટ જોબ્સનું સર્જન

નોકરીની ભૂમિકાઓના સંદર્ભમાં 17 ઉદ્યોગોમાંથી 11 નવી હોટ જોબ્સનું સર્જન કરે છે અને 7 ઉદ્યોગોએ નવી આવનારી નોકરીઓ ઊભી કરી છે. આ પ્રોફાઇલ્સમાં ટેલિકોમ ઉદ્યોગમાં સિનિયર ગોલાંગ ડેવલપર, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સમાં સિનિયર બાયોસ્ટેટિશિયન, ઇ-કોમર્સ અને ટેક સ્ટાર્ટ-અપ્સમાં લીડ મેજેન્ટો ડેવલપર અને શૈક્ષણિક સેવાઓમાં રોબોટિક્સ પ્રશિક્ષક જેવી કેટલીક અગાઉ સાંભળી ન હોય તેવી ભૂમિકાઓનો સમાવેશ થાય છે.