જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓનું આજે લિસ્ટિંગ, જાણો શું કહે છે નિષ્ણાતો?
અમદાવાદ, તા. 28 ઓક્ટોબરઃ દેશનો સૌથી મોટો રૂ. 30200 કરોડનો જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ ઈશ્યૂ આજે લિસ્ટેડ થવાનો છે. ગ્રે માર્કેટમાં ગઈકાલ સુધીમાં રૂ. 245-250ના ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે શેર અંદાજે 20થી 35 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થવાનો અંદાજ આપે છે. જો કે, બજાર નિષ્ણાતો રોકાણકારોને જિયો પ્લેટફોર્મ્સના શેર લાંબાગાળાના સંપત્તિ સર્જનના ઉદ્દેશ સાથે હોલ્ડ કરવા સલાહ આપી રહ્યા છે.
આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના ફંડામેન્ટલ રિસર્ચ હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમમાં કંપની લીડરશીપ કરે છે. મજબૂત નફાકારકતા, સ્કેલેબલ ટેકનોલોજી પ્લેટફોર્મ અને વૃદ્ધિની સંભાવનાઓએ તેના મૂલ્યાંકનને ટેકો આપ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એન્ટરપ્રાઇઝ ડિજિટલ સેવાઓ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં તકોએ પણ લાંબા ગાળાના વિકાસ માટે અવકાશ આપ્યો છે.
અંતિમ ઇશ્યૂ ભાવે, Jio પ્લેટફોર્મનું મૂલ્ય તેના FY2026 ના પ્રાઈસ ટુ અર્નિંગ રેશિયોના 34.3 ગણા અને તેના FY2026 ના એન્ટરપ્રાઇઝ વેલ્યૂ-ટુ-EBITDA રેશિયોના 14.8 ગણા છે, જે લગભગ રૂ. 10.3 લાખ કરોડનું બજાર મૂડીકરણ સૂચવે છે.
જિયોજિત રિસર્ચ ઈન્વેસ્ટમેન્ટ્સના વિનોદ નાયરના મતે, JPL મજબૂત ફંડામેન્ટલ્સ અને મજબૂત પેરેન્ટલ બેકગ્રાઉન્ડ ધરાવતી હોવાથી લાંબાગાળા માટે સારૂ એવુ મૂલ્ય પ્રાપ્ત કરશે. ડિજિટલ સેગમેન્ટમાં ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે, ત્યારે કંપની માટે ગ્રોથનો અવકાશ વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ સેવા પ્રદાતાનો આઈપીઓ ખુલ્યાના 100 મિનિટની અંદર સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો. તેને ભારતીય ઇતિહાસમાં સૌથી ઝડપી સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયેલ જાહેર ઇશ્યૂ બનાવે છે. 5,500 કરોડ રૂપિયાના મૂલ્યના લાયક સંસ્થાકીય ખરીદદારોનો હિસ્સો, પ્રથમ 10 મિનિટમાં સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. આઈપીઓ કુલ 22.2 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જેમાં જાહેર ઇશ્યૂ અને એન્કર પ્લેસમેન્ટમાં કુલ માંગ રૂ. 7.4 લાખ કરોડથી વધુ રહી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
