આશ્રમથી એરેના સુધી: અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ઇતિહાસ રચવા તૈયાર

અમદાવાદ, 4 જૂન, 2026: વિશ્વમાં પ્રથમ વખત યોજાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 (WYC 2026) માટે 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ અમદાવાદના EKA એરેના ખાતે ભેગા થયા છે. 4થી 8 જૂન દરમિયાન યોજાનારી આ ઐતિહાસિક ચેમ્પિયનશિપમાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન સહિત અનેક દેશોના ખેલાડીઓ ભાગ લેશે.
વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 ને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, આયુષ મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત ટુરિઝમ અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનનું સમર્થન પ્રાપ્ત છે.
યજમાન ભારત 122 સભ્યોની ટુકડી સાથે મેદાનમાં ઉતરશે. ખેલાડીઓ સબ-જુનિયર (10-14 વર્ષ), જુનિયર (14-18 વર્ષ), સિનિયર (18-28 વર્ષ), સિનિયર-A (28-35 વર્ષ), સિનિયર-B (35-45 વર્ષ) અને સિનિયર-C (45-55 વર્ષ) સહિતની વિવિધ વય શ્રેણીઓમાં ભાગ લેશે. આગામી પાંચ દિવસ દરમિયાન ખેલાડીઓ વ્યક્તિગત, કલાત્મક અને પરંપરાગત જૂથ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરશે. ચેમ્પિયનશિપમાં 32 આંતરરાષ્ટ્રીય અને 51 રાષ્ટ્રીય ન્યાયાધીશો ફરજ બજાવશે, જે યોગાસનના વધતા વૈશ્વિક પ્રભાવને ઉજાગર કરે છે.


ચેમ્પિયનશિપની પૂર્વસંધ્યાએ યોગાસન ભારતના પ્રમુખ ઉદિત શેઠે જણાવ્યું હતું કે, “અમદાવાદના EKA એરેના ખાતે 60થી વધુ દેશોની ભાગીદારી સાથે યોજાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ભારત માટે ગૌરવની ક્ષણ છે. ભારતીય ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ એક અનોખી તક છે. યોગાસનને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ મંચ સાબિત થશે અને કદાચ રમતગમત ક્ષેત્રે ભારતનું વિશ્વને સૌથી મોટું યોગદાન બની રહેશે.”
વિશ્વ યોગાસનના મહામંત્રી ડૉ. જયદીપ આર્યએ જણાવ્યું હતું કે, “વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ યોગાસનના વૈશ્વિક રમત તરીકેના વિકાસની નવી શરૂઆત છે. પ્રથમ વખત 60થી વધુ દેશોના ખેલાડીઓ એક જ મંચ પર આવી યોગાસનની રમતવીરતા, શિસ્ત અને કલાત્મકતાનું પ્રદર્શન કરશે.”
ચેમ્પિયનશિપના ટેકનિકલ ડિરેક્ટર ડૉ. સંજય માલપાણીએ જણાવ્યું હતું કે, “આ ચેમ્પિયનશિપ યોગાસન માટે એક મજબૂત અને સુવ્યવસ્થિત રમતગમત ઇકોસિસ્ટમ ઊભું કરવાના વર્ષો લાંબા પ્રયાસોનું પરિણામ છે.”
ચેમ્પિયનશિપનો પ્રારંભ 4 જૂને ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થશે. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું જીવંત પ્રસારણ 4થી 8 જૂન દરમિયાન દરરોજ સવારે 9:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી દૂરદર્શન પર કરવામાં આવશે. ઉપરાંત, દૂરદર્શનની YouTube ચેનલ પર પણ સમગ્ર ચેમ્પિયનશિપનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)