અમદાવાદ, 7 જૂનઃ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવા માટેના ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે ગ્રીનઝો એનર્જી ત્રણ તબક્કામાં કુલ રૂ. 750 કરોડના મૂડીરોકાણ સાથેનો સ્વદેશી ટેકનોલોજી સાથેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સક્ષમ નેતૃત્વ હેઠળ ચાલુ કરવામાં આવેલા ગ્રીન હાઈડ્રોજન મિશન હેઠળ નાખવામાં આવનારા આ પ્લાન્ટ માટે ગ્રીન્ઝો ઇન્ડિયા એનર્જી લિમિટેડ 3 તબક્કામાં કુલ રૂ. 750 કરોડનું મૂડીરોકાણ કરશે.

ઉર્જા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇકોલાઈઝરની ટેક્નોલોજી મહત્વની

આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ અને એજીડીસી ગ્રુપના સંદીપ અગ્રવાલ, ભરત ગુપ્તા અને અમિત સિંઘલે, આર.કે. અગ્રવાલ, અને અમિત ગજ્જરે જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોલાઇઝરની ટેક્નોલોજી મહત્વની છે. તેનાથી ગુજરાતની તસવીર અને ગુજરાતની જનતાની તાસીર બદલાઈ જશે. પ્લાન્ટ ચાલુ થઈ જતાં ગ્રીન હાઈડ્રોજન પેદા કરવામાં અગ્રણી રાજ્ય તરીકેનું સ્થાન ગુજરાત પ્રાપ્ત કરી લેશે. કંપનીની સ્થાપના થઈ ગયા પછી આઠ માસમાં ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ ચાલુ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોલાઈઝરની મદદથી હવામાં કાર્બનનું જરાય ઉત્સર્જન કર્યા વિના હાઈડ્રોજન પેદા કરવામાં આવતો હોવાથી તેને ગ્રીન હાઈડ્રોજન તરીકે ઓળખાવવામાં આવે છે. ગ્રીન્ઝો ઇન્ડિયા રિન્યુએબલ એનર્જીના સેક્ટરની એક અગ્રણી કંપની છે. ગુજરાતમાં ઇલેક્ટ્રોલાઇઝરનું સ્વદેશી ટેક્નોલોજીથી ઉત્પાદન કરીને માર્કેટિંગ કરનારી પહેલી કંપની બનશે. ડિઝાઈનિંગના સેક્ટરના અગ્રણી ગણાતા ગુજરાત સ્થિત એજીડીસી ગ્રુપે આ પ્લાન્ટ માટેનું મોડેલ તૈયાર કરી આપ્યું છે.

સાણંદ જીઆઇડીસીમાં સ્થપાઇ રહેલો પ્લાન્ટ 8 માસમાં ઇલેક્ટ્રોલાઇઝર્સનું ઉત્પાદન શરૂ કરી દેશે

દેશમાં 50 લાખ ટન કાર્બન ઉત્સર્જનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે

17000 કરોડની ફ્યુઅલ સબસિડી, 1.70 લાખ કરોડની ફર્ટિલાઇઝર સબસિડીનું ભારણ ઘટી શકે

2030 સુધીમાં ભારત 5 લાખ ટન પ્રતિવર્ષ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો ટાર્ગેટ ધરાવે છે

કંપની પાસે 250 મેગાવોટ તેમજ રૂ. 1100 કરોડના ઓર્ડર હાથ ઉપર ધરાવતી હોવાનો દાવો

ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ વાતાવરણમાં બદલાવ આવી રહ્યા હોવાથી અને ધરતીની પેટાળમાંના ઉર્જાના ઉત્પાદન માટેના સ્રોત ખૂટી રહ્યા હોવાથી ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન મહત્વનું બની રહ્યું છે. કેન્દ્ર સરકારને ઉર્જાની બાબતમાં ભારતને 2047 સુધીમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવી દેવા માટે કરેલા આયોજનને પાર પાડવામાં પણ ઇલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ મહત્વનું યોગદાન આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહકારથી ગુજરાતને એનર્જીના સેક્ટરમાં સ્વતંત્ર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ઊઠાવવામાં આવી રહ્યું છે. દેશમાં 2070ની સાલ સુધીમાં હવામાં જરાય કાર્બનનું ઉત્સર્જન ન થાય તેવી સ્થિતિ નિર્માણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. કંપની ગુજરાતને ઉર્જાના ક્ષેત્રમાં સ્વંત્ર બનાવવામાં મહત્વનો ફાળો આપશે. 

સાણંદ પ્લાન્ટમાં 1, 2 અને 5 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઈઝર બનાવશે

 ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા સાણંદ ખાતેના તેના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટમાં 1, 2 અને 5 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઈઝર બનાવશે. વર્ષે દહાડે અંદાજે 125 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઈઝર તેઓ બનાવશે. તેનાથી ગુજરાતની ઉર્જાની જરૂરિયાત સંતોષવા ઉપરાંત 100 જણાને સીધી રોજગારી મળશે અને 1000 જણાને આડકતરી રોજગારી મળશે. ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ થતાં ભારતની આયાત પરની નિર્ભરતામાં પણ ઘટાડો થશે. ભારતની ઇંધણની અને રાસાયણિક ખાતરની આયાતમાં તેનાથી મોટો ઘટાડો આવી જશે. ગ્રીન હાઈડ્રોજન એ પ્રદુષણ ન ફેલાવતું ઇંધણ છે. પર્યાવરણને તેનાથી હાનિ પહોંચતી નથી. આ ટેક્નોલોજી પાણીમાંના હાઈડ્રોજન અને ઓક્સિજનનું છૂટા પાડે છે. આ પ્રક્રિયા પણ પર્યાવરણ પર કોઈ જ વિપરીત અસર કરતી નથી. તેનાથી ઉત્પાદનનો ખર્ચ પણ ઓછો આવે છે. તેથી જ તે લાંબો સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ગ્રીન હાઈડ્રોજન પેદા કરવા માટે ઇકોલાઈઝરની ટેક્નોલોજી સૌથી મહત્વની છે. ભારતમાં આજની તારીખે ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરવામાં આવતું નથી.