Reliance દ્વારા ખંભાળિયામાં નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદપરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાંવિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિતવી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

1986માં નિર્માણ પામેલી આ શાળાના જર્જરિત બનેલા મકાનમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા અંદાજે 300 જેટલા કિશોર-કિશોરીઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ટ્રસ્ટીમંડળ દ્વારા શાળાભવનના નવનિર્માણનો નિર્ણય લઇનેપરિમલભાઈ નથવાણીને કરવામાં આવેલી રજૂઆતને ગ્રાહ્ય રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળાભવનના નવનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
10,000 ચોરસ ફૂટના પ્લોટ પર 8,100 ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તારમાં રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે માળનું શાળાભવન આધુનિક ક્લાસરૂમ, આચાર્યશ્રીની ઓફિસ, શિક્ષક રૂમ, એન.સી.સી. ઓફિસ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, કન્યાઓ અને કુમારો તેમજ સ્ટાફ માટે અલગ-અલગ સેનીટેશન બ્લોક, રમત-ગમતનું મેદાન, સી.સી.ટીવી સર્વેલન્સ, ફાયર સેફ્ટી સિસ્ટમ, સોલાર સિસ્ટમ તથા જળ સંરક્ષણ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત અને સંગીતના સાધનો પણ પૂરાં પાડવામાં આવ્યા છે.
