અમદાવાદ, 4 નવેમ્બર:  નવી દિલ્હી ખાતે 03 નવમ્બર, 2025ના રોજ ભારતની મર્ચન્ડાઈઝ નિકાસમાં મહત્વનો ફાળો આપતાં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોના પસંદગીના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં ભાગ લેવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), ના ચેરમેન  કિરીટ ભણસાલીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.  કિરીટ ભણસાલીએ ભારતની મર્ચન્ડાઈઝ નિકાસમાં 7 ટકાનો ફાળો આપતાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વૈશ્વિક વેપારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા કેવાં પગલાં લેવા જોઈએ તે અંગે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ પાસેથી સૂચનો જાણવા માટે આ બેઠકનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે સંબોધનની તકનો લાભ લઈને  ભણસાલીએ દેશની નિકાસમાં 30 અબજ ડોલરનું તથા સ્થાનિક વેચાણમાં 85 અબજ ડોલરનું યોગદાન આપતાં તથા દેશભરમાં 42 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડતાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર વતી મહત્વના નીતિ વિષયક સુધારાઓ રજૂ કર્યા હતાં.

ભારતના જેમ્સ અને જ્વેલરીની નિકાસને જોરદાર પ્રોત્સાહન આપનારા ભારત-યુએઈ સીઈપીએ મુદ્દે દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ બદલ તેમણે માનનીય વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જે અંતર્ગત પ્લેઈન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં નાણાં વર્ષ 2023થી નાણાં વર્ષ 2025 દરમિયાન વાર્ષિક 47,4 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.  ભણસાલીએ યુકે, ઓસ્ટ્રેલિયા અને ઇએફટીએ દેશો સાથેના એફટીએની પણ પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી યુએસ બીટીએ અને ભારત-ઇયુ એફટીએ ભારતના વૈશ્વિક વેપાર નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.

 ભણસાલીએ જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગીની ઔદ્યોગિક બેઠકમાં જોડાવું એ સન્માનની વાત છે. તેમના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ, ભારતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે નોંધપાત્ર વૃદ્ધિ અને કારોબાર કરવામાં સરળતા હાંસલ કરી છે. અમને વિશ્વાસ છે કે તેમના સતત માર્ગદર્શન સાથે, નિકાસનો આંક US$100 બિલિયનને વટાવી જશે અને 2047 સુધીમાં US$500 બિલિયનના સ્થાનિક બજારનું નિર્માણ કરીશું, જે ભારતને જેમ્સ અને જ્વેલરીનું વૈશ્વિક હબ બનાવશે.”

GJEPC દ્વારા તાજેતરમાં NITI આયોગને સુપરત કરાયેલા સૂચનો અને એક્ઝિમ બેંકના અહેવાલના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા તારણોના આધારે તેમણે માનનીય વડાપ્રધાનને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર પર એક શ્વેત પત્ર તૈયાર કરવા વિનંતી કરી.

GJEPC એ નાણાં મંત્રાલયને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે નિકાસ-આયાતની પ્રક્રિયાઓ અને કસ્ટમ્સ પ્રક્રિયાઓને સરળ બનાવવા વિનંતી કરી છે. અગ્રણી વૈશ્વિક વેપાર કેન્દ્રોની સમકક્ષ વેપાર કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે આવા પગલાં મહત્વપૂર્ણ છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)