બુલિયન વીકલી રિવ્યૂઃ ચાંદી ₹10600 ઘટીને ₹2.32 લાખ, સોનું ₹2800 ઘટી ₹1.45 લાખ

અમદાવાદ, 20 જૂનઃ ઇરાન- યુએસ ક્રાઇસિસ સહિત વર્લ્ડ જિયો- પોલિટિકલ ક્રાઇસિસ હળવી થઇ રહી હોવાના અહેવાલોના પગલે સેફ હેવન ગણાતાં સોના-ચાંદીની કિંમતમાં ઝડપી ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. સપ્તાહ દરમિયાન 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,830 રૂપિયા ઘટીને 1.45 લાખ રૂપિયા થયો છે. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 13 જૂને 1.48 લાખ રૂપિયા પર હતો. જ્યારે, ચાંદી 2.43 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 2.32 લાખ રૂપિયા પર આવી ગઈ છે. એટલે કે તેની કિંમત 10,609 રૂપિયા સસ્તી થઈ હોવાનું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા દર્શાવે છે.

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતા, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધી સોનું 31 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે.

જ્યારે, ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025 ના રોજ 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ 3.86 લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં એટલેકે ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન ચાંદી 1.54 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

તારીખસોનુંચાંદી
29 જાન્યુઆરી₹1,76,121₹3,85,933
31 જાન્યુઆરી₹1,65,795₹3,39,350
28 ફેબ્રુઆરી₹1,50,997₹2,66,700
31 માર્ચ₹1,46,733₹2,30,135
30 એપ્રિલ₹1,50,263₹2,40,331
31 મે₹1,56,463₹2,63,350
20 જૂન₹1,44,970₹2,31,973
સ્રોત: IBJA

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાના કારણો એક નજરે

યુએસ-ઈરાન કરાર: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા છે. આના કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ ઓછું થયું, જેના કારણે રોકાણકારોએ સોના-ચાંદી જેવા સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’માંથી પ્રોફીટ બુકિંગ શરૂ કરી દીધું છે.

યુએસ ફેડરલ રિઝર્વનો અભિગમ: ફેડરલ રિઝર્વે હાલમાં સંકેત આપ્યા છે કે તે આ વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો કરવાને બદલે તેમને વધારી શકે છે. વ્યાજ દરો વધવાની અપેક્ષાથી સોના જેવી વ્યાજ વગરની ધાતુની ચમક ઓછી થઈ જાય છે.

મજબૂત અમેરિકી ડોલર: ફેડરલ રિઝર્વના સંકેતો પછી વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે. સામાન્ય રીતે જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતો ઘટે છે.

નફાખોરી: થોડા સમય પહેલા સોના અને ચાંદીના ભાવ તેમના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યા પછી, મોટા રોકાણકારો અને વેપારીઓએ નફાખોરી કરી, જેના કારણે ભાવમાં અચાનક તીવ્ર ઘટાડો થયો છે.

ETFમાં વેચવાલી: સુરક્ષિત રોકાણનું આકર્ષણ ઘટવાથી ગોલ્ડ-સિલ્વર ETF માં ભારે વેચવાલી જોવા મળી. આજે સિલ્વર ETFમાં 6% અને ગોલ્ડ ETFમાં 3%નો ઘટાડો છે, જેણે સ્થાનિક બજારના ભાવને નીચે ખેંચ્યા છે.