મુંબઈ, 11 જુન 2026: HDFC સિક્યોરિટીઝની ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી શાખા HDFC ટ્રુ (HDFC Tru)એ તેના માસિક બજાર આઉટલુક રિપોર્ટ ટ્રુ ઈનસાઈટ્સ(Tru Insights)ની જૂન 2026ની એડિશન બહાર પાડી છે.આ રિપોર્ટમાં વધતા જતા ભૌગોલિક-રાજકીય જોખમો અને વૈશ્વિકસ્તરે ફુગાવાના દબાણ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં મજબૂતી જોવા મળી હોવાનું તારણ રજૂ કરવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2026-2027ના બીજા ભાગમાં ભારતીય શેરબજારમાં તેજી આવે તેવી અપેક્ષા છે અને વૈશ્વિક અનિશ્ચિતતા ધીમે-ધીમે ઓછી થતાં નિફ્ટી (Nifty) નવી ઓલ-ટાઇમ હાઇ સપાટી દુકાવી શકે છે.
ઈક્વિટી માર્કેટ આઉટલુક
એપ્રિલમાં મજબૂત તેજી પછી મે મહિનામાં ભારતીય શેરબજારમાં કામચલાઉ વિરામ જોવા મળ્યો હતો,જેમાં નિફ્ટી 50 1.9% ઘટ્યો હતો.જોકે બ્રોડર માર્કેટે આઉટપર્ફોર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં અનુક્રમે 3.2% અને 0.7%નો વધારો નોંધાયો હતો. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે મે 2026 દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FIIs) આશરે રૂપિયા 55,900 કરોડની ચોખ્ખી વેચવાલી સાથે નેટ સેલર્સ રહ્યા હતા. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(DIIs)ની મજબૂત ભાગીદારીને કારણે જેમાં અંદાજે રૂપિયા 82,600 કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી, વિદેશી રોકાણકારોના વેચવાલીના દબાણને સરભર કરવા ઉપરાંત બજારને વધુ ટેકો મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે લાર્જ-કેપ શેરોનું વેલ્યુએશન વધુને વધુ આકર્ષક બન્યું છે કારણ કે નિફ્ટી અત્યારે તેના લાંબા ગાળાના સરેરાશ વેલ્યુએશન સ્તર કરતાં લગભગ 10% ડિસ્કાઉન્ટમાં છે એટલે કે નીચા ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે.નાણાકીય વર્ષ 2026-27ના બીજા ભાગમાં મજબૂત કમાણીની અપેક્ષા સાથે મળીને વર્તમાન વાતાવરણ લાંબા ગાળાના રોકાણકારો માટે એક સાનુકૂળ તક પૂરી પાડે છે.
ભારતના મેક્રો ફંડામેન્ટલ્સ મજબૂત
રિપોર્ટ રેખાંકિત કરે છે કે બાહ્ય પડકારો હોવા છતાં ભારતના આર્થિક પાયાના સિદ્ધાંતો એટલે કે ઈકોનોમિક ફંડામેન્ટલ્સ) મજબૂત અને સ્થિર રહ્યા છે. એપ્રિલ 2026માં ગ્રાહક રિટેલ મોંઘવારી 3.48%ના સ્તરે પ્રમાણમાં નિયંત્રણમાં રહ્યો હતો, જ્યારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ સેક્ટરરની પ્રવૃત્તિમાં વિસ્તરણ ચાલુ રહ્યું હતું.મે મહિનામાં ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ વધીને 55.0ની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો,જ્યારે સર્વિસિસ પીએમઆઈ સુધરીને 58.9 થયો હતો જે મજબૂત સ્થાનિક માંગ અને વ્યાપારિક પ્રવૃત્તિ દર્શાવે છે. આ રિપોર્ટ રેકોર્ડબ્રેક વેપારી જણસો એટલે કે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સ અને સ્થાનિક વપરાશમાં સતત મજબૂતી તરફ પણ ઈશારો કરે છે જે મધ્યમથી લઈ લાંબા ગાળાના વિકાસના માર્ગ પર ભારતના આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
ભૌગોલિક-રાજકીય જોખમો બજારમાં વધઘટ લાવવાનું જાળવી રાખશે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય તણાવપૂર્ણ સ્થિતિ,ઊર્જાના ઊંચા ભાવો અને સતત વધી રહેલા ફુગાવાના દબાણથી વૈશ્વિક બજારો પ્રભાવિત રહ્યા હતા. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારત સહિતના ઊભરતા બજારો માટે ક્રૂડ ઓઇલના ભાવ એક અત્યંત મહત્વના પરિબળ બનેલા છે,કારણ કે તેની સીધી અસર ફુગાવા,કરન્ટ એકાઉન્ટ બેલેન્સ અને નાણાકીય નીતિની અપેક્ષા પર પડે છે.જોકે ટૂંકા ગાળામાં બજારમાં વધઘટ ચાલુ રહી શકે છે,પરંતુ HDFC Tru નું માનવું છે કે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય ઘટનાક્રમો અને વ્યાપારિક વાટાઘાટો અંગે સ્થિતિ સ્પષ્ટ થતાં બજારો સ્થિર થવાની સંભાવના છે.
ફિક્સ્ડ ઈન્કમ આઉટલુક
ડેટ માર્કેટ મોરચે રિપોર્ટ અવલોકન કરે છે કે વૈશ્વિક વધઘટ છતાં મે 2026 દરમિયાન ભારતના 10 વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ મોટે ભાગે 7.0%ની આસપાસ સ્થિર રહી હતી. ભારતીય રિઝર્વ બેંકે (RBI) રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે અને તેનું ન્યુટ્રલ પોલિસી વલણ જાળવી રાખ્યું છે.ફુગાવો હાલ નિયંત્રણ હેઠળ છે,તેમ છતાં આ રિપોર્ટ અપેક્ષા રાખે છે કે નીતિ ઘડનારા ભવિષ્યમાં કોઈપણ પોલિસી સંબંધિત પગલાં લેતા પહેલાં ઊર્જાના ભાવો,ચલણના મૂલ્યમાં ભારે વધઘટ અને હવામાન સંબંધિત જોખમો પર ઝીણવટભરી નજર રાખશે. આ રિપોર્ટ ફિક્સ્ડ ઈન્કમના રોકાણ માટે એક્રુઅલ-ઓરિએન્ટેડ તકોને ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્પોરેટ બોન્ડ સેગમેન્ટને વધુ પસંદ કરવાનું ચાલુ રાખે છે.
ઊંડાણપૂર્વક વિશ્લેષણ:કોપર એટલે કે તાંબુ આગામી કોમોડિટી સુપરસાયકલની આગેવાની કરી શકે છે
જૂનની આવૃત્તિનું એક મુખ્ય આકર્ષણ કોપર પરનો વિગતવાર અભ્યાસ અને વૈશ્વિક અર્થતંત્રમાં તેનું સતત વધતું વ્યૂહાત્મક મહત્વ છે. અહેવાલ પ્રમાણે વૈશ્વિક ઈલેક્ટ્રિફિકેશન, રિન્યુએબલ એનર્જીમાં રોકાણ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,ડેટા સેન્ટર્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) જેવા માળખાકીય માંગના ચાલક પરિબળોના ટેકાથી કોપર (તાંબુ) કોમોડિટી સુપરસાયકલના આગામી તબક્કાની આગેવાની કરવા માટે એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે. રિપોર્ટ એ બાબત પર પ્રકાશ પાડે છે કે વધતી માંગ અને લાંબા ગાળાના પુરવઠાની મર્યાદાઓ હોવા છતાં સોના અને ચાંદીની સરખામણીમાં કોપર હજુ પણ ઐતિહાસિક રીતે નીચા વેલ્યુએશન રેશિયો પર ટ્રેડ થઈ રહ્યું છે.કોપરની નવી શોધોમાં ઘટાડો, માઇનિંગ એટલે કે ખનન ક્ષેત્રે ઓછું રોકાણ અને મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાંથી ઉત્પાદન વૃદ્ધિ ધીમી પડવાને કારણે આગામી વર્ષોમાં તેનો પુરવઠો વધુ મર્યાદિત થઈ શકે છે.
રોકાણ દ્રષ્ટિકોણ
HDFC Truનું માનવું છે કે ભૌગોલિક-રાજકીય (જીઓપોલિટિકલ) ઘટનાક્રમો બજારમાં સમયાંતરે વધઘટ (વોલેટિલિટી) લાવવાનું ચાલુ રાખી શકે છે,પરંતુ ભારતની મજબૂત સ્થાનિક વૃદ્ધિના પરિબળો,કમાણીનો સુધરતો આઉટલુક અને વ્યાજબી વેલ્યુએશન રોકાણકારો માટે એક સાનુકૂળ અને મજબૂત પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. આ રિપોર્ટ ફાઇનાન્શિયલ્સ,ઈન્ડસ્ટ્રિયલ્સ,પાવર,રિયલ એસ્ટેટ,ઓટો અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર સકારાત્મક આઉટલુક જાળવી રાખે છે જ્યારે એવા સેક્ટર્સમાં પસંદગીયુક્ત અભિગમ અપનાવવાની સલાહ આપે છે કે જ્યાં વેલ્યુએશન હજુ પણ ખૂબ ઊંચા સ્તરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
