જેફરીઝનો મોટો દાવો: અદાણી પાવર, ગ્રીન અને એનર્જી સોલ્યુશન્સનો આગામી દાયકા સુધી માર્કેટમાં રહેશે દબદબો

અમદાવાદ, 9 જૂનઃ અદાણી ગ્રૂપની ત્રણ પાવર અને એનર્જી કંપનીઓ આગામી સમયમાં ભારતના ઊર્જા ક્ષેત્રનો ચહેરો બદલવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ રહી છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies) ના તાજેતરના સંશોધન અહેવાલ અનુસાર, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જીના એક્સપાન્શન અને મજબૂત પર્ફોર્મન્સને કારણે આગામી દાયકા સુધી માર્કેટમાં ધમાકેદાર તેજી લાવવા જઈ રહી છે. દેશમાં ઝડપથી વધી રહેલી વીજળીની માંગ વચ્ચે આ ત્રણેય લિસ્ટેડ કંપનીઓ પરંપરાગત થર્મલ પાવર, આધુનિક પાવર ટ્રાન્સમિશન, સ્માર્ટ મીટરિંગ અને વિશાળ ગ્રીન એનર્જી સેક્ટરમાં એક અસાધારણ ઈકોસિસ્ટમ ઊભી કરી રહી છે.

ભારતની ચોવીસ કલાક વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે અદાણી પાવર લિમિટેડ (APL) દેશમાં સૌથી મોટો ખાનગી થર્મલ પાવર ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો છે. કંપનીએ વર્ષ ૨૦૩૨ સુધીમાં પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા ૨.૩ ગણી વધારીને ૪૨ GW પર પહોંચાડવાનો મેગા લક્ષ્યાંક રાખ્યો છે. કંપનીની આગામી ૨૩.૭ GW ક્ષમતામાંથી ૫૬% ક્ષમતા પહેલેથી જ લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (PPAs) હેઠળ સુરક્ષિત છે. ઉપરાંત ભવિષ્યના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એન્ટ્રી તેના લોન્ગ-ટર્મ ગ્રોથને નવી ઊંચાઈ આપશે.

બીજી તરફ, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને ગ્રીડ નેટવર્કને આધુનિક બનાવવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) ફ્રન્ટ-રનર સાબિત થઈ રહી છે. કંપની હાલમાં રૂ. ૭૧૮ અબજના મેગા પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, જે ગયા વર્ષ કરતાં ૨૦% વધુ છે, જ્યારે તેની નજીકના ભવિષ્યની બિડ પાઇપલાઇન રૂ. ૧.૫ ટ્રિલિયન જેટલી વિશાળ છે. ટ્રાન્સમિશન સિવાય કંપનીનો સ્માર્ટ મીટર બિઝનેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે; કંપની હવે ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આ સેક્ટરમાં પ્રભુત્વ વધુ મજબૂત કરવા જઈ રહી છે.

ક્લીન અને ગ્રીન એનર્જીના મોરચે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચી રહી છે, જે પોતાની રિન્યુએબલ ક્ષમતા ૨.૬ ગણી વધારીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ GW કરવાનો ભવ્ય લક્ષ્યાંક ધરાવે છે. ખાવડા (કચ્છ) ખાતે કંપની વિશ્વનો સૌથી મોટો ૩૦ GW નો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહી છે, જેમાંથી ૯.૪ GW ક્ષમતા ધમધમતી થઈ ચૂકી છે. લદ્દાખ પછી ભારતમાં સૌથી શ્રેષ્ઠ સૂર્યપ્રકાશ આ વિસ્તારમાં મળતો હોવાથી કંપનીનું વીજ ઉત્પાદન ૩૦% થી વધુ એફિશિયન્સી સાથે કામ કરશે. આ સાથે કંપની બેટરી સ્ટોરેજ સિસ્ટમ (BESS) નો વ્યાપ વધારી રહી છે, જેથી દિવસ દરમિયાન બનેલી સોલર એનર્જીને રાત્રે પીક-અવર્સમાં વેચી શકાય.

નાણાકીય ગણિત અને બજારના ટ્રેન્ડ્સ દર્શાવે છે કે આ ત્રણેય કંપનીઓ વાર્ષિક ૨૩% થી ૩૦% નો ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ (EBITDA CAGR) મેળવવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)