અમદાવાદ, 13 જુલાઇ: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરેટ (CCRI) દ્વારા શરૂ કરાયેલ અને સમર્થિત તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજનાને SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની શ્રેણી હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો છે. હસ્તકલા યોજના માટે રાજ્ય સરકારની કેટેગરી હેઠળ અરજી કરવામાં આવી હતી. પસંદગીના ત્રણ રાઉન્ડ બાદ રાજ્ય સરકારના 42 પ્રોજેક્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. ઈડીઆઈઆઈ, હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ એજન્સી તરીકે ગુજરાતના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને મજબૂત કરવા આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. સપ્ટેમ્બર 2020 માં 6 જિલ્લાઓ સાથે શરૂ થયેલ આ પ્રોજેક્ટે આજે વિસ્તાર કરીને ગુજરાતના તમામ 33 જિલ્લાઓને આવરી લીધા છે.

અત્યાર સુધીમાં, 30365 કારીગરો સુધી પહોંચીને તેમને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જેમાં 16670 એ તેમની સંભાવનાઓને વધારવા એડવાન્સ્ડ સ્કીલ ટ્રેનિંગ, જરૂરિયાત આધારિત ડોમેન ટ્રેનિંગ, પ્રમોશન અને માર્કેટિંગ જોડાણોમાં સુવિધા અને માર્ગદર્શક સહાયતા પ્રાપ્ત કરી છે. આ કારીગરોએ રૂ. 28.85 કરોડની આવક મેળવી છે.

ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગોના સેક્રેટરી અને કમિશ્નર પ્રવિણ સોલંકીએ જણાવ્યું કે, નિઃશંકપણે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સાચા અર્થમાં સાર્થક થયું છે.

ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાના જણાવ્યા અનુસાર, ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા વૈશ્વિક સ્તરે બિઝનેસ લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી રહ્યા છે, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે આ ટેક્નોલોજીકલ પ્રગતિઓ અને તે એકલાહાથે જે લાવી શકે તેવી વિશાળ તકોથી વાકેફ રહેવું જરૂરી છે.