અમદાવાદ, 7 મેઃ રુશિલ ડેકોર લિમિટેડે માર્ચ-23ના અંતે પૂરાં થયેલા વર્ષ તેમજ ચોથા ત્રિમાસિક ગાળા માટેના પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો વાર્ષિક નફો 240.6 ટકા વધી રૂ. રૂ. 77.7 કરોડ, આવકો 34.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 838.4 કરોડ નોંધાયા છે. માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 15.4 કરોડ સામે 12 ટકા ઘટી રૂ. 13.6 કરોડ નોંધાયો છે. જો કે, એમડીએફ તથા લેમિનેન્ટ બિઝનેસમાં મજબૂત ગ્રોથને પગલે કંપનીએ વાર્ષિક 9.6%ના ગ્રોથ સાથે નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 213.9 કરોડની ઓપરેટિંગ રેવન્યૂ નોંધાવી છે. EBITDA પણ 11 ટકા ઘટી 28.2 કરોડ રહી હતી. જેનું મુખ્ય કારણ નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં ઓછું ઉપાર્જન અને કાચા માલના ભાવમાં થયેલો આંશિક વધારો છે.

નાણાકીય પરિણામો અંગે બોલતા રુશિલ ડેકોર લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃપેશ ઠક્કરે કહ્યું કે, માર્ચ 2023ના ત્રિમાસિક ગાળા દરમિયાન ઓછું ઉપાર્જન, કાચા માલના ભાવમાં આશિંક વધારો તથા આયાતમાં વધારો થવાને કારણે અગાઉના વર્ષની સરખામણીમાં અમારા માર્જિન ઉપર અસર થઈ હતી. જોકે ક્ષમતાના વધુ ઉપયોગ તથા અમારી આવકમાં મૂલ્યવર્ધન ઉત્પાદનમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમે આગામી ત્રિમાસિક ગાળામાં વધુ સારું પરફોર્મ કરી શકવાની સ્થિતિમાં છીએ.