ટ્રમ્પની નારાજગીઃ એપલના ટિમ કૂકનો પ્લાન બી સફળ નિવડશે કે નિષ્ફળ જશે?

નવી દિલ્હી, 24 મેઃ એપલના ટિમ કૂકે વિચાર્યું કે ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઉગામે તો તેમની પાસે પ્લાન બી તૈયાર છે. પણ તે પૂરતો કારગત ન પણ નિવડે. એપલ (AAPL)ના સીઈઓ ટિમ કૂકે વર્ષોથી ચીન પરની નિર્ભરતા ઘટાડીને, ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ઉત્પાદન સ્થાનાંતરિત કરીને ટેરિફથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. ટિમ કૂકે આ પ્લાન બી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળથી તેમની નજર ચીન પર વધુ ટેરિફ લાદવાની ઇચ્છા જોઇને બનાવ્યો હતો. પરંતુ એ હવે ટ્રમ્પની બીજી મુદતમાં તેમનો આક્રમક રુખ જોતાં કામિયાબ ન પણ થાય! શુક્રવારે ટ્રમ્પે સ્ટેટમેન્ટ આપ્યું કે આઇફોન નિર્માતા એપલે ઓછામાં ઓછો 25% ટેરિફ ચૂકવવો પડશે સિવાય કે તેના આઇફોન યુએસમાં બનાવવામાં આવે. આ ચેતવણી એપલના ભૌગોલિક રાજકીય જોખમથી પોતાને સુરક્ષિત રાખવાના તાજેતરના પ્રયાસોની મર્યાદાઓને રેખાંકિત કરે છે.

ચીન હજુ પણ આઇફોન ઉત્પાદનમાં આશરે 85% હિસ્સો ધરાવે છે
જોકે ચીન હજુ પણ આઇફોન ઉત્પાદનમાં આશરે 85% હિસ્સો ધરાવે છે, એપલે તાજેતરના વર્ષોમાં તેના ઉત્પાદન બેઝને નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તૃત કરી ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ભારે રોકાણ કર્યું છે. ખાસ કરીને ભારતમાં, આઇફોન ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે કારણ કે એપલે ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઉગામે તે પહેલાં જ માર્ચમાં સપ્લાયર્સ ફોક્સકોન અને ટાટા દ્વારા 2 અબજ ડોલરના મૂલ્યના ઉપકરણોને (આઇફોન એમ સમજવું) એરલિફ્ટ કરીને અમેરિકા મોકલવી દીધાં. ટ્રમ્પ કહેવાતાં લિબરેશન ડેના દિવસે લોકપ્રિયતા માટે જાહેરાત કરે તેના થોડા અઠવાડિયા પહેલાનું જ આ સરસાઇ ભર્યું ટિમનું પગલું ટ્રમ્પ સાંખી શક્યા નથી અને એટલે જ છાશવારે ક્યાં એપલના ટિમ કૂકની મજાક ઉડાવે છે અથવા તેમને ધમકીઓ આપી દબાવવા માંગે છે.

યુએસમાં વેચાતા મોટાભાગના આઇફોન ભારતમાં બનેલા હશે
અમેરિકાએ ચીનની આયાત પર 30% ટેરિફ દર રાખ્યો છે, જ્યારે મોટાભાગના અન્ય દેશો 10% નીચો ટેરિફ ભરે છે. આ પરિવર્તનની ગંધ પારખીને ટિમે અગોતરું પગલું ભરીને એપલના ઉત્પાદન સોર્સિંગમાં મૂળગામી ફેરફારો કરી દીધાં. ટિમ કૂકે તો ત્યાં સુધી જણાવ્યું હતુ કે “જૂન ક્વાર્ટર માટે, અમે અપેક્ષા રાખીએ છીએ કે યુએસમાં વેચાતા મોટાભાગના આઇફોન ભારતમાં બનેલા હશે અને યુએસમાં વેચાતા લગભગ તમામ આઈપેડ, મેક, એપલ વોચ અને એરપોડ્સ માટે વિયેતનામમાં બનાવેલા હશે,” ગયા મહિને કંપનીના અર્નીંગ્સ કોલમાં તેમણે આ નિર્દેશ આપ્યો હતો. જોકે યુએસથી બહાર કુલ ઉત્પાદન અને વેચાણની દ્રષ્ટીએ એપલ માટે ચીન મોટો દેશ ગણાય.
તેની સપ્લાય ચેઇનને મજબૂત કરવા એપલે આ વર્ષની શરૂઆતમાં આગામી ચાર વર્ષમાં યુએસમાં $500 અબજ ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી. આ યોજના પાર પડે 20,000 લોકોને નોકરી મળે અને ટેક્સાસમાં એક નવી સર્વર ફેક્ટરી ઊભી થશે. અમેરિકાના ઉજ્વળ ભવિષ્ય પર આશાવાદી રહીને અમે અમારા દેશના ભવિષ્ય માટે આ કરવાનો ગર્વ અનુભવીએ છીએ” એમ પણ કૂકે કંપનીના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું.
જોકે શુક્રવારની ટ્રમ્પની ચેતવણી દર્શાવે છે કે કંપનીને ટ્રમ્પની ટેરિફ ધમકીઓથી બચાવવા માટે કૂકનો પ્લાન બી પૂરતો નથી. ભારત અથવા બીજે ક્યાંય બનેલા આઇફોન અમેરિકામાં વેચાય એનું ટ્રમ્પને પેટમાં દુખે છે. ટ્રમ્પે શુક્રવારે સવારે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં જણાવ્યું કે એપલે આવા વેચાણમાં યુ.એસ.ને ઓછામાં ઓછા 25% ટેરિફ આપવી પડશે.અર્નીંગ કોલમાં એપલે આ ક્વાર્ટરમાં $900 મિલિયન ટેરિફ-સંબંધિત અવરોધની ચેતવણી આપી હતી.
યુએસ રાષ્ટ્રપતિએ ટેરિફ ધમકીઓ સાથે ચોક્કસ કંપનીઓને નિશાન બનાવી હોય એવું ભૂતકાળમાં પણ થયું જ છે. ઘણી વાર ધમકીઓ ધમકી જ રહી જતી હોય છે. દરમિયાન, વોલ સ્ટ્રીટના વિશ્લેષકોએ એપલ દ્વારા ઉત્પાદનને યુએસમાં સ્થાનાંતરિત કરવાની લાંબા ગાળાની શક્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમના મતે આવું થાય તો આઇફોનના ભાવ લગભગ $3,500 સુધી જઇ શકે છે. માત્ર અમેરિકામાં બનેલા આઇફોનને પ્રેમ કરવા આ રકમ ચૂકવવા ભાગ્યે જ અમેરિકન ગ્રાહક તૈયાર થશે એવું વિશ્લેષકો માને છે.ઉપરાંત આવા સ્થાનાંતરણને પૂર્ણ થવામાં પાંચ થી 10 વર્ષ લાગી શકે. વધુ ડ્યુટીનું જોખમ એપલના પહેલાથી જ સંવેદનશીલ બિઝનેસ મોડેલ પર દબાણ લાવે છે. “અમારું માનવું છે કે યુ.એસ.માં આઇફોનનું ઉત્પાદન કરવાનો ખ્યાલ જ એક પરીકથા જેવો છે એવું એનાલિસ્ટો માને છે. લેફર ટેંગલર ઇન્વેસ્ટમેન્ટ્સના સીઇઓ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નેન્સી ટેંગલરે તો ટ્રમ્પની આ ધમકીઓને “મૂર્ખતા” ગણાવી છે. દરમિયાન ટ્રમ્પે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ટેરિફ નીતિ ફક્ત એપલને જ નહીં પરંતુ સેમસંગ જેવા સ્પર્ધકોને પણ લાગુ પડશે.
