રોનક ચિરીપાલ દ્વારા ટેક્સટાઈલ સેક્ટર પર પ્રિ-બજેટ ટીપ્પણી
અમદાવાદ, 27 જાન્યુઆરીઃ ટેક્સટાઈલ અને એપરલ સેક્ટર માટે કેન્દ્રિય બજેટ 2026-27 અત્યંત મહત્ત્વનું છે. આ સેક્ટર અમેરિકાના ટેરિફના લીધે બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે. તે આજે પણ દેશનું સૌથી વધુ રોજગારી સર્જન કરતું સેક્ટર છે. આ સેક્ટર 45 મિલિયન લોકોને આજીવિકા આપી રહ્યું છે. જેની નિકાસ ટેરિફના કારણે ઘટી છે, નિકાસકારો પર બોજો વધ્યો છે, જેથી બજેટમાં તેની સ્પર્ધાત્મકતા, લિક્વિડિટી અને નીતિમાં સ્થિરતાને પ્રાધાન્ય આપવુ જરૂરી બન્યું છે.
અમેરિકા દ્વારા ગત ઓગસ્ટમાં લાદવામાં આવેલી વધારાના 50 ટકા ટેરિફના કારણે વિયેતનામ, બાંગ્લાદેશ જેવા હરીફ દેશોની સામે ભારત નબળું પડ્યું છે. આ દેશોમાં ભારતની તુલનાએ ઓછો ટેરિફ હોવાથી તેની નિકાસ માગ વધી છે. આ અસર ટેક્સટાઈલ, ગાર્મેન્ટ સહિતની નિકાસના આંકડાઓ પરથી જોવા મળી રહી છે. તાજેતરના મહિનાઓમાં તેની નિકાસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે ઈન્ડસ્ટ્રી આ પડકારોનો સામનો કરવા માટે તાત્કાલિક રાહત અને મધ્યમ ગાળાની માળખાકીય સહાયની માગણી કરી રહી છે.
આગામી બજેટમાં પ્રિ અને પોસ્ટ નિકાસ માટેના ધિરાણ પર સમાન વ્યાજદરો લાગુ કરવાની યોજના પુનઃ શરૂ કરવા ભલામણ છે. ખાસ કરીને MSME નિકાસકારો માટે આ યોજના ફરી શરૂ કરવી જોઈએ. કલમ 115 BAB હેઠળ નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે રાહત દરે 15 ટકા કોર્પોરેટ ટેક્સ દર પાછો ખેંચવાની પણ માગ કરી છે. જેથી નવી ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં પ્રોત્સાહન મળે.
કરવેરાના મોરચે મૂડી સંપત્તિમાં બે વર્ષથી વધુના ઘસારામાં વૃદ્ધિ લાંબા ગાળાનો નાણાકીય બોજો લાદ્યા વિના રોકડ પ્રવાહમાં સુધારો કરી શકે છે. સપ્લાયર્સ માટે ટ્રીમ્સ અને એસેસરિઝની ડ્યુટી ફ્રી આયાત માટે IGCRની જોગવાઈઓ બનાવવાથી ઈનપુટ ખર્ચમાં ઘટાડો થશે. એપરલ્સ પર GST ઘટાડી 5 ટકા કરવાથી સ્થાનિક માંગ વધશે અને સ્પર્ધાત્મક ભાવમાં સુધારો થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
