રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ

તિરુમાલા, તા. 17 સપ્ટેમ્બર, 2026: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD)ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરાયું છે. આ પહેલથી તિરુમાલાની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ કાયમી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. તિરુમાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
આગામી નજીકના સમયમાં જ તિરુમાલાના પવિત્ર પર્વત-સ્થિત મંદિરે બે મહત્વપૂર્ણ શ્રીવારી બ્રહ્મોત્સવમ્ યોજાશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જૂન 2026માં તિરુમાલાની મુલાકાત દરમિયાન પર્યાવરણને અનુકૂળ અને કાયમી પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના TTDના પ્રયાસોને સહયોગ આપવા 25 ઇલેક્ટ્રિક બસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે પૂર્ણ કરી છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક બસોના સંચાલન માટે જરૂરી ચાર્જિંગ સુવિધાઓ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને TTD દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.
25 ઇલેક્ટ્રિક બસોના ઉમેરાથી TTDના ગ્રીન મોબિલિટીના પ્રયાસોને વધુ વેગ મળશે. આ ઇલેક્ટ્રિક મોબિલિટી પહેલ રિલાયન્સ ફાઉન્ડેશન અને Jio-bpના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશને આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે જયારે, Jio-bpએ ઇલેક્ટ્રિક મોબિલિટી અને EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પોતાની નિપુણતાનું યોગદાન આપ્યું છે.
આ પહેલ અંગે વાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “દર વર્ષે ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ તિરુમાલાની પવિત્ર પર્વતમાળાની મુલાકાત લે છે. તેમની યાત્રામાં સહયોગ આપવો અમારા માટે ગૌરવની સાથે જવાબદારી પણ છે. આ 25 ઇલેક્ટ્રિક બસો તિરુમાલાની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવાના TTDના પ્રયાસોમાં અમારું નમ્ર યોગદાન છે. આ સાથે આ વિસ્તારની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ તે મદદરૂપ બનશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
