ઓટો- બેન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી રૂ. 5.5 લાખ કરોડ વધી

અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2026: ભારતીય શેરબજારમાં ઓટો અને બેન્કિંગ શેર્સમાં મોટાપાયે ખરીદી નોંધાતા શેરબજાર ફરી પાછા તેજી તરફ આગળ વધ્યા છે. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1000થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી 25500નું લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો. પરિણામે રોકાણકારોની મૂડીમાં રૂ. 5.5 લાખ કરોડનો વધારો થયો હતો.
વૈશ્વિક સ્તરે કોપરથી માંડી કોમોડિટીના ભાવમાં કડાકો નોંધાતા કોમોડિટી શેર્સ અને ઓટો શેર્સમાં લેવાલી વધી હતી. વધુમાં એફઆઈઆઈ દ્વારા સતત રોકાણ પ્રવાહ અને પીએસયુ બેન્કોના શેરમાં વોલ્યૂમ વધતાં સેન્સેક્સ 989.94 પોઈન્ટ ઉછળી 83021.75 પર બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 1012.06 પોઈન્ટ ઉછળ્યો હતો. NSE Nifty 286.35 પોઈન્ટના ઉછાળે 25514ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં મારૂતિ સુઝુકીનો શેર 7.58 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો હતો. જો કે, એન્થ્રોપિકના રેકોર્ડ બ્રેકિંગ આઈપીઓ અને ડોલર ઈન્ડેક્સમાં દબાણ વધતાં આઈટી શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. આઈટી ઈન્ડેક્સમાં સામેલ ટીસીએસ, ઈન્ફોસિસ, મહિન્દ્રા ટેક, એચસીએલ ટેક સહિતન અગ્રણી કંપનીઓના શેર્સ ધડામ થયા હતા.

માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4630 પૈકી 2410 સ્ક્રિપ્સમાં ઉછાળો અને 1983માં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 237 શેર સ્થિર રહ્યા હતા. 127 શેર વર્ષના તળિયે તો 118 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ પેકમાં પણ સામેલ 30 પૈકી 25 શેરમાં 8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જે માર્કેટ બ્રેડ્‌થ પોઝિટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.

મેટલના ભાવ ઘટતા ઓટો શેર્સ બૂમ
કોપરથી માંડી ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાતા ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઉત્પાદન ખર્ચ ઘટવાની અને માર્જિન વધવાની અપેક્ષા સર્જાઈ હતી. પરિણામે ઓટો શેર્સ તેજીમાં રહ્યા હતા. મારૂતિ સુઝુકીનો શેર 7.58 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો હતો, હીરો મોટોકોર્પ 5.83 ટકા, ટીવીએસ મોટર 5.72 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 4.78 ટકા ઉછળ્યો હતો. આ સાથે બીએસઈ ઓટો ઈન્ડેક્સ 3.98 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.

એફઆઈઆઈની સતત લેવાલી
બુધવારે FIIએ 5,866.78 કરોડ રૂપિયાના ઇક્વિટી ખરીદ્યા. સતત FIIના પ્રવાહે બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો છે. આ મહિને અત્યાર સુધીમાં વિદેશી ભંડોળ રોકાણો 94,299 કરોડ રૂપિયાના રેકોર્ડને સ્પર્શી ગયા છે, જ્યારે મજબૂત કમાણી વૃદ્ધિએ બજારના અંદાજને વધુ મજબૂત બનાવ્યો છે. FII તરફથી સતત રોકાણ પ્રવાહ, જે પ્રભાવશાળી કમાણી વૃદ્ધિ દ્વારા આ મહિને અત્યાર સુધીમાં રેકોર્ડ 94299 કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે, તે બજારને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. બજારમાં ગતિ મજબૂત છે. એઆઈ કંપની એન્થ્રોપિકના રેકોર્ડ-બ્રેકિંગ આઈપીઓથી વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો, જેણે યુએસ સ્ટોક ફ્યુચર્સ અને કેટલાક એશિયન બજારોમાં તેજીને આગળ વધારવામાં મદદ કરી છે. ક્લોડ ચેટબોટ ડેવલપર એન્થ્રોપિકે 83 ડોલરની ઈશ્યૂ પ્રાઈઝ પર 81 અબજ ડોલરનું ફંડ એકત્ર કરી યુએસ સ્ટોક માર્કેટનો ટોચનો આઈપીઓ બન્યો છે. જેની માર્કેટ વેલ્યૂ 1.5 લાખ કરોડ આંકવામાં આવી છે. આજે મોડી સાંજે (અમેરિકન બજારમાં ગુરૂવારે બજાર શરૂ થાય ત્યારે) એન્થ્રોપિક લિસ્ટિંગ કરાવશે.

વિનોદ નાયર, રિસર્ચ હેડ, જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના મતે શેરબજાર
નબળા એશિયન સંકેતો અને યુએસ ફેડના આક્રમક વલણને કારણે, સતત FII પ્રવાહ અને કોમોડિટીના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતીય ઇક્વિટી બાઉન્સ બેક થઈ છે. નવેમ્બરમાં રેકોર્ડ વિદેશી પ્રવાહથી બજારની તરલતામાં વધારો થયો છે, જ્યારે ક્રૂડના નીચા ભાવે ભવિષ્યના ફુગાવા અને બાહ્ય સંતુલન અંગેની ચિંતાઓ ઓછી કરી છે. ઓટોએ શેરબજારમાં તેજીનું નેતૃત્વ કર્યું છે, જ્યારે વપરાશ અને બેંકિંગ શેરો પણ આગળ વધ્યા છે, જેમાં બેંકિંગ સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. આ વલણ સ્થાનિક માંગ-સંચાલિત ક્ષેત્રો તરફ રોકાણકારોની પસંદગીમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, જ્યારે યુએસ વ્યાજ દરોમાં વધારો થવાની અપેક્ષાઓ વચ્ચે IT દબાણ હેઠળ રહ્યું છે. બાહ્ય જોખમોમાં તીવ્ર ઘટાડો સ્થાનિક-લક્ષી ક્ષેત્રોની આસપાસ આશાવાદ ઉમેરી રહ્યો છે; જોકે, વ્યાજ દરમાં વધારો અને Q3માં સંભવિત QoQ માર્જિન સંકોચન નજીકના ગાળાના ખાસ કરીને સ્મોલ અને મીડકેપ સેગમેન્ટમાં વધારાને મર્યાદિત કરી શકે છે.