ડિજિટલ બેંકિંગ ફ્રોડ રોકવા RBIના નવા પગલાં: ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન’
મુંબઈ, તા. 24 નવેમ્બરઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ડિજિટલ બેંકિંગ ફ્રોડ અટકાવવા અને ગ્રાહકોને ખાતા પર વધુ સુરક્ષા આપવા માટે નવા નિયમોનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. જેમાં ગ્રાહકો પોતાના ખાતામાંથી થતાં ઉપાડ પર મર્યાદા બાંધી શકશે અને એક સાથે જ તમામ બેન્ક ખાતામાંથી રકમ ઉધાર થતાં અટકાવી શકશે. જેમાં ગ્રાહકે પોતે પોતાની જમાની દેખરેખ રાખવા માટે એક વિશ્વસનીય વ્યક્તિની નિમણૂક કરવાની રહેશે. જેની સહમતિથી જ ગ્રાહકના એકાઉન્ટમાંથી બાંધેલી મર્યાદાથી વધુ રકમ ઉપાડી શકાશે.
વધુમાં જો ગ્રાહકને જાણ થાય કે, તેની સાથે ડિજિટલ ફ્રોડ થઈ રહ્યું છે, તો તે સ્ટોપ સ્વિચ ફીચરની મદદથી પોતાના ખાતામાંથી વ્યવહારો બંધ કરાવી શકશે. જૂન ૨૦૨૬ માં અનધિકૃત વ્યવહારોમાં ગ્રાહકની જવાબદારી મર્યાદિત કરવાના નિયમો મજબૂત કરાયા હતા, અને હવે ફ્રોડ થતા અટકાવવા આ વધારાના પગલાં સૂચવાયા છે. RBI એ આ પ્રસ્તાવો કોમર્શિયલ બેન્ક-રિસ્પોન્સિબલ કન્ડક્ટ (પાંચમા સુધારાની દોરવણી), 2026 ના ડ્રાફ્ટ દ્વારા મૂક્યા છે.
૧. સ્ટોપ સ્વિચ (Stop Switch)
ગ્રાહક પોતાના ખાતામાંથી થતા ભવિષ્યના તમામ ડેબિટ (પૈસા મોકલવા કે ઉપાડવા) તરત જ બંધ કરી શકશે.
સ્ટોપ સ્વિચ ચાલુ કર્યા બાદ નવા પેમેન્ટ મેન્ડેટ, નવી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન અથવા નવી થર્ડ-પાર્ટી UPI એપ પર રજિસ્ટ્રેશન નહીં થઈ શકે.
ખાતામાં પૈસા જમા થવાનું (Credits) ચાલુ રહેશે.
અગાઉથી ચાલુ રહેલી રિકરિંગ સૂચનાઓ, લોનના હપ્તા અને બેંક ચાર્જ જેવા બેંક-સંબંધિત ડેબિટ પર આ રોક લાગશે નહીં.
૨. ટ્રસ્ટેડ પર્સન (Trusted Person)
ગ્રાહક પોતે નક્કી કરેલી રકમ કરતાં વધુના વ્યવહાર માટે એક વિશ્વાસુ વ્યક્તિને નોંધી શકશે.
નિર્ધારિત મર્યાદાથી વધુ રકમના વ્યવહાર વખતે ટ્રસ્ટેડ પર્સનને રકમ, લાભાર્થીની વિગત અને વ્યવહારની નોંધ મોકલાશે.
વ્યવહાર મંજૂર કરવા અથવા ના પાડવા માટે વિશ્વાસુ વ્યક્તિને ૧ કલાકનો સમય મળશે.
ટ્રસ્ટેડ પર્સન સંમતિ આપે તો જ વ્યવહાર પૂર્ણ થશે; જો ના પાડે અથવા ૧ કલાકમાં કોઈ જવાબ ન મળે તો વ્યવહાર રદ થશે.
૩. ડિજિટલ ચેનલ પર વધુ નિયંત્રણ
ગ્રાહક ડિજિટલ પેમેન્ટ ચેનલો બંધ કરવાની સુવિધા મેળવી શકશે.
વ્યવહારોની મર્યાદા નક્કી કરી શકશે અને ચોક્કસ સમયગાળા પૂરતો જ તેનો ઉપયોગ મર્યાદિત રાખી શકશે.
