સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના

મુંબઈ, તા. 24 નવેમ્બરઃ શેરબજાર નિયામક સેબી (SEBI)એ સોમવારે તમામ રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ અને બજારના સહભાગીઓને આગામી આઈપીઓ (IPO)ના ‘ગ્રે માર્કેટ પ્રીમિયમ’ (GMP)ના આંકડા પ્રકાશિત કરવાનું તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. વેબસાઈટ, ઈમેલ, એસએમએસ અને સોશિયલ મીડિયા સહિતના કોઈપણ માધ્યમ દ્વારા જીએમપી દર્શાવવા કે ફેલાવવા પર રોક લગાવવા જણાવાયું છે. સેબીએ રોકાણકારોને પણ ચેતવણી આપી છે કે તેઓ જીએમપી આધારિત કોઈપણ વ્યવહાર ન કરે અને તેને શેરના લિસ્ટિંગ ભાવ કે સંભવિત વળતરનો સંકેત ન માને.

સેબીની ચેતવણી પાછળના મુખ્ય કારણો
સેબીએ સ્પષ્ટ કર્યું છે કે શેરબજારમાં સત્તાવાર લિસ્ટિંગ પહેલાં ચાલતા આ પ્રીમિયમ આંકડા બિનસત્તાવાર, બિનચકાસાયેલા અને અનિયંત્રિત હોય છે. આવા વ્યવહારો એક્સચેન્જના માળખાની બહાર થતા હોવાથી તેમાં કોઈ નિયમનકારી દેખરેખ કે રોકાણકારોની સુરક્ષાની ગેરંટી હોતી નથી. તાજેતરના ઘણા મોટા આઈપીઓમાં જીએમપી અને વાસ્તવિક લિસ્ટિંગ ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. સેબીએ ચેતવણી આપી છે કે જો જીએમપી વ્યવહારોમાં કોઈ વિવાદ થાય, તો રોકાણકારોને સેબી કે સ્ટોક એક્સચેન્જ તરફથી કોઈ કાનૂની રક્ષણ કે ફરિયાદ નિવારણની સુવિધા મળશે નહીં.

વોટ્સએપ અને ટેલિગ્રામ પર ચાલતી છેતરપિંડી સામે પણ સાવધ કર્યા
આ સાથે જ સેબીએ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા ગ્રુપમાં રજિસ્ટર્ડ બ્રોકર્સ કે મધ્યસ્થીઓની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરનારાઓ સામે પણ રોકાણકારોને સાવધ કર્યા છે. આવા ઠગો ‘સંસ્થાકીય ટ્રેડિંગ’ અને વિદેશી બજારો દ્વારા નુકસાન ભરપાઈ કરી આપવાની લાલચ આપીને નકલી એપ્સ પર લઈ જાય છે અને અનરજિસ્ટર્ડ ખાતામાં પૈસા જમા કરાવે છે. સેબીએ રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ ખાતરી કરેલા વળતરના દાવાઓથી દૂર રહે, અજાણ્યા ગ્રુપમાં ન જોડાય અને કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા સેબીના પોર્ટલ પર સંબંધિત સંસ્થા, બેંક ખાતા અને યુપીઆઈ (UPI) આઈડીની ખરાઈ ચોક્કસ કરે.