હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ-૨૬માં ગૌતમ અદાણી ફેમિલીની દાનની રકમમાં 127% નો ઉછાળો

અમદાવાદ, 24 નવેમ્બરઃ ઉદ્યોગ જગતમાં નવા શિખરો સર કરવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને લોકકલ્યાણના ક્ષેત્રે પણ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર સતત અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત ‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ ૨૦૨૬’ (EdelGive Hurun India Philanthropy List 2026) અહેવાલ મુજબ, ગૌતમ અદાણી અને તેમના પરિવારે પાછલા વર્ષની સરખામણીએ પોતાના સેવાકીય દાનમાં ૧૨૭ ટકાનો જંગી વધારો કરીને પોતાનું દાન ₹૮૭૭ કરોડ સુધી પહોંચાડ્યું છે અને યાદીમાં ત્રણ ક્રમ આગળ વધીને બીજા સ્થાને પહોંચ્યા છે. ₹૪૯૧ કરોડનો આ વધારો સમગ્ર યાદીમાં રકમની દૃષ્ટિએ સૌથી મોટો છે.

હુરુન ઈન્ડિયાના તાજા અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬ની યાદીમાં HCL ના શિવ નાદર ₹૨,૫૯૩ કરોડના દાન સાથે પ્રથમ ક્રમે રહ્યા છે, જ્યારે અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓના દાનમાં સ્થિરતા કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આવા સમયે ગૌતમ અદાણી અને પરિવારે જનસેવાના કાર્યો માટે ઉદાર હાથે દાનનો પ્રવાહ બમણાથી વધુ કર્યો છે.

ગૌતમ અદાણીનો સેવાભાવ માત્ર વાર્ષિક આંકડાઓ પૂરતો સીમિત નથી, પરંતુ લાંબા ગાળાના રાષ્ટ્રનિર્માણ સાથે જોડાયેલો છે. પોતાના ૬૦મા જન્મદિવસ અને પિતા શાંતિલાલ અદાણીની જન્મશતાબ્દી નિમિત્તે ગૌતમ અદાણીએ ભારતના ગ્રામીણ અને વંચિત વર્ગના ઉત્થાન માટે ₹૬૦,૦૦૦ કરોડ ના ઐતિહાસિક દાનની જાહેરાત કરી હતી.

આ જ પરંપરાને આગળ ધપાવતા, નાના પુત્ર જીત અદાણીના લગ્ન પ્રસંગે પણ પરિવારે આડંબર કરવાને બદલે સાદગીનો માર્ગ અપનાવતા સમાજસેવા માટે ₹૧૦,૦૦૦ કરોડ સમર્પિત કર્યા હતા.

અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવતું આ દાન મુખ્યત્વે ભારતના ત્રણ પાયાના ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે:

  1. આરોગ્ય (Healthcare): દેશમાં આરોગ્ય ક્ષેત્રે દાનમાં આ વર્ષે ૮૨% નો વધારો થયો છે, જેમાં અદાણી પરિવારનો સિંહફાળો છે. મેયો ક્લિનિક (Mayo Clinic) ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ અને મુંબઈમાં ૧૦૦૦-૧૦૦૦ બેડની અત્યાધુનિક ‘અદાણી હેલ્થ સિટી’ અને મેડિકલ કોલેજોના નિર્માણ માટે અનુદાન ફાળવવામાં આવ્યું છે.
  2. શિક્ષણ (Education): દેશભરમાં વિશ્વસ્તરીય શાળાઓ ચાલે છે અને નવી શરૂ કરવામાં આવી રહી છે, જેમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
  3. કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ ઉત્થાન (Skill Development): યુવાનોને રોજગારલક્ષી તાલીમ અને ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં ફાઉન્ડેશન સતત કાર્યરત છે.

ડૉ. પ્રીતિ અદાણીના નેતૃત્વ હેઠળ કાર્યરત અદાણી ફાઉન્ડેશન આજે દેશના કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ ૨૦૨૬ નો આ અહેવાલ સાબિત કરે છે કે સંપત્તિના સર્જનની સાથે તેને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ભારતના સૌથી સંવેદનશીલ અને અગ્રણી ભામાશા તરીકે ઉભરી આવ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)