HDFC બેન્કે ગુજરાતમાં 500મી બ્રાન્ચ ખોલી, 3 માસમાં વધુ 100 બ્રાન્ચ ખોલશે
માર્ચ- 23 સુધીમાં નવી 100થી વધારે બ્રાન્ચ ખોલવાની યોજના
1000થી વધુ લોકોને રોજગારીનું સર્જન થાય તેવી અપેક્ષા
ચાલુ નાણાકીય વર્ષમાં 25થી બ્રાન્ચ અગાઉથી ખોલી છે
અમદાવાદઃ ભારતની અગ્રણી બેન્ક HDFC બેન્કે ગુજરાતમાં તેની 500મી શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાતના અમદાવાદમાં આવેલા સિંધુભવન રોડ ખાતે ખોલવામાં આવેલી નવી શાખાને પગલે HDFC બેન્ક રાજ્યમાં આ સીમાચિહ્નને હાંસલ કરનારી ખાનગી સેક્ટરની પ્રથમ બેન્ક બની ગઈ છે.
ગુજરાતના રીટેલ બ્રાન્ચ બેન્કિંગ હેડ થોમસન જૉસે આ અંગેની જાહેરાત કરી હતી. આ શાખાનું લૉન્ચિંગ સમગ્ર ગુજરાતમાં પોતાની હાજરી વધારવાની બેન્કની યોજનાને અનુરૂપ છે. તેની યોજના રાજ્યના મેટ્રો, શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તેના પદચિહ્નો વધારવાની છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં તેમજ રાજ્યમાં બેંકની લગભગ અડધી શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે.
છેલ્લાં 5 વર્ષમાં 102 શાખાઓ ખોલીને HDFC બેન્કે ગુજરાતમાં તેના શાખાઓના નેટવર્કને ખૂબ જ ઝડપથી વિસ્તાર્યું છે. બેંક આ નાણાકીય વર્ષમાં પહેલેથી જ 25 શાખાઓ ખોલી ચૂકી છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં નવી 100થી પણ વધારે શાખાઓ શરૂ કરવાની તેની યોજના છે, જેના પરિણામે લગભગ 1000 લોકોને રોજગારી પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે.
ગુજરાતમાં બેન્કનો બિઝનેસ એટ એ ગ્લાન્સ
ડિપોઝિટ્સ રૂ. 97625 કરોડ સામે ધિરાણો રૂ. 1000878 કરોડ
33 જિલ્લામાં 500 બ્રાન્ચ અને 1445 એટીએમ, 175 કેશ મશીન્સ
225થી વધુ બ્રાન્ચ સેમિ અર્બન અને રૂરલ એરિયામાં ધરાવે છે
પરીવર્તન પ્રોજેક્ટ હેઠળ 43750થી વધુ મહિલા સાહસિકોને ટ્રેનિંગ
5140થી વધુ ખેડૂતોને પણ વિવિધ પ્રકારની તાલિમ આપવામાં આવી
MSME સેગ્મેન્ટમાં એવરેજ રૂ. 30 લાખની ટિકિટ સાઇઝથી લોન્સ ફાળવાઇ
ગુજરાતમાં 45 લાખથી વધુ કસ્ટમર્સનો વિશાળ વર્ગ ધરાવતી પ્રાઇવેટ સેક્ટર બેન્ક
HDFC બેન્કના ગુજરાત ખાતેના રીટેઇલ બ્રાન્ચ બેન્કિંગ હેડ થોમસન જૉસે શાખાના ઉદ્ઘાટન વખતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ‘અમે ગુજરાતની વિકાસગાથામાં યોગદાન આપીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. રાજ્યના લોકોની ઉદ્યોગસાહસિકતાની ભાવનાએ અનેક સફળતાઓ અપાવી છે, ખાસ કરીને એમએસએમઈ સેક્ટરમાં. અમારી શાખાઓના વિસ્તરતા જઈ રહેલા નેટવર્ક અને અન્ય પહેલ મારફતે અમારી યોજના આ વિકાસગાથાને આગળ વધારવાની અને ગુજરાતના લોકોની સમૃદ્ધિમાં વધુને વધુ યોગદાન આપવાની છે.’ વર્ષ 1996માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં HDFC બેન્કની પ્રથમ શાખા ખુલવાની સાથે જ ગુજરાતમાં HDFC બેન્કની વિકાસયાત્રા શરૂ કરી હતી. બેન્ક કૃષિ, એમએસએમઈ અને પુનઃપ્રાપ્ય ઊર્જા સહિતના અનેક ક્ષેત્રોને ધીરાણ પૂરું પાડી રહી છે. તે ખૂબ જ સક્ષમ રીટેલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં કાર લૉન, ટુ-વ્હિલર લૉન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લૉન, પર્સનલ લૉન અને ક્રેડિટ કાર્ડ્સનો સમાવેશ થાય છે.