નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીના કારણે આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા ભલામણ કરી છે. દાસે આ નિવેદન ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્વારા આયોજિત BFSI ઈનસાઈટ સમિટ 2022માં આપ્યું હતું. ક્રિપ્ટોકરન્સીના આંતરિક મૂલ્ય પર પ્રશ્ન ઉભો કરે છે. દાસે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં કોઈ સ્વાભાવિક મૂલ્ય હોતું નથી અને તે મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમ ઊભું કરે છે. આરબીઆઈ લાંબા સમયથી એવું માને છે કે ખાનગી ક્રિપ્ટોકરન્સી નાણાકીય સ્થિરતા માટે જોખમી છે અને તેના ઉપયોગને કાયદેસર બનાવવાની વિરુદ્ધ છે. આ મુદ્દાને ઉકેલવા માટે ભારતે તાજેતરમાં તેની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે તાજેતરમાં કહ્યું હતું કે તમામ ઉપલબ્ધ ડેટા ભ્રામક છે. તેમણે ડિજિટલ કરન્સી શું છે અને તેનો હેતુ શું છે તેની સ્પષ્ટ સમજ માટે તમામ પ્રકારના નિયમો બનાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ક્રિપ્ટોને અસરકારક રીતે નિયમન કરવા માટે સામાન્ય સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ક્રિપ્ટો માર્કેટમાં ઉથલ-પાથલ જારી

FTX જેવું મોટું ક્રિપ્ટો એક્સચેન્જે મોટાપાયે વોલેટિલિટી વચ્ચે નાદારી નોંધાવી છે. લગભગ 90 ટકા ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માત્ર બે ટકા ક્રિપ્ટોકોઈનને મજબૂત લિક્વિડિટી સપોર્ટ મળી રહ્યો છે. એક નવા અભ્યાસમાં આ બાબતો સામે આવી છે. તાજેતરના સમયમાં, મોટાભાગની ક્રિપ્ટો કરન્સીમાં ઘણી વોલેટિલિટી જોવા મળી રહી છે. બિટકોઈન ઘટીને $16000ની સપાટી પર રમી રહ્યો છે. આ સિવાય Ethereum અને Binanceમાં પણ સતત બ્રેક જોવા મળી રહ્યો છે.