અમદાવાદ, 18 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ આજે નેપાળના  નાણામંત્રી ડો. પ્રકાશ શરણ મહતના નેતૃત્વમાં તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે આવેલા  નેપાળના પ્રતિનિધિમંડળ સાથે મીટીંગનું  આયોજન કર્યું હતું, જેમાં  મંત્રી( અર્થશાસ્ત્ર) શ્રીમતી નીતા પી. આર્યલ, શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવ, યોગીરાજ પાંડે, અન્ડર સેક્રેટરી અને રેવતી આર. પૌડેલ, મંત્રી કાઉન્સેલર-પોલિટિકલ હાજર રહ્યા હતા. આ મીટીંગનો મુખ્ય  ઉદ્દેશ નેપાળ અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો અને સંભવિત રોકાણકારોને નેપાળમાં આમંત્રિત કરવાનો હતો. GCCI ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જીનીયરે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નેપાળ અને ભારત ઊંડો ઇતિહાસ અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે અને બંને દેશોના આર્થિક સંબંધો વર્ષોથી મજબૂત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે GCCI પરસ્પર લાભ માટે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવએ નેપાળમાં રોકાણ અને વેપારની તકોની માહિતી  આપતું પ્રેઝન્ટેશ કર્યું હતું. નેપાળના નાણામંત્રી ડૉ. પ્રકાશ શરણ મહતે નેપાળની વિકસતી અર્થવ્યવસ્થાના  મહત્વના પાસાઓ અંગે  અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે નેપાળની અપાર સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો.