
ગાંધીનગર, 18 જૂનઃ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (KASEZ), ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને DGFT અમદાવાદ દ્વારા અમદાવાદ ખાતે ‘ગુજરાતમાં SEZનાં ૧૨ વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન’ વિષય પર આઉટરીચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના વાણિજ્ય અધિકારીઓ તેમજ વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને આગામી રોડમેપ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ ભારતના વધતા વૈશ્વિક વ્યાપારિક વિકાસ-વિસ્તારની વિગતો આપતાં જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં દેશની કુલ નિકાસ આશરે ૪૪૧ બિલિયન યુએસ ડોલરથી વધીને ૮૬૩ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે. જેમાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો મહત્ત્વનો ફાળો છે.
તેમણે ઉમેર્યું કે આ વૈશ્વિક વિકાસ યાત્રામાં ગુજરાત ૧૧૦ બિલિયન યુએસ ડોલરના નોંધપાત્ર યોગદાન સાથે મુખ્ય ભાગીદાર તરીકે ઊભરી આવ્યું છે. તાજેતરમાં જાહેર થયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ની સરાહના કરતાં તેમણે કહ્યું કે આ નીતિ એ માત્ર ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ રાજ્યમાં આર્થિક પરિવર્તનનો નવો પર્યાય સાબિત થશે.
દેશમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ (TIA) પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ્સ મોનિટરિંગ પોર્ટલ (MIMP) જેવા મહત્ત્વના ડિજિટલ પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશન પણ વૈશ્વિક સ્તરે ભારત માટે વિશ્વાસનું સીમાચિહ્ન હોવાનું ઉમેર્યું હતું.
આ ઉપરાંત, મોરિશિયસ, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ (UK) સાથે મહત્ત્વના મુક્ત વ્યાપાર કરારો પણ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ થી ૨૦૩૦-૩૧ ના સમયગાળામાં એમએસએમઈ (MSME) ક્ષેત્રને વૈશ્વિક વેલ્યૂ ચેઈન સાથે જોડવા માટે ₹૨૫,૬૦૦ કરોડની જોગવાઈ સાથે નિકાસ સંવર્ધન મિશન પણ શરૂ કર્યું છે.
ગુજરાતના SEZની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટિલે જણાવ્યું કે છેલ્લાં ૧૨ વર્ષોમાં ગુજરાતે વિનિર્માણ, રોકાણ અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ આર્થિક પરિવર્તન નોંધાવ્યું છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતના સ્થાનિક SEZ રોકાણ, રોજગાર અને ઇનોવેશનનાં મહત્ત્વનાં કેન્દ્રો બન્યાં છે.
તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાતની નિકાસ ₹૧,૭૯,૮૦૮ કરોડ હતી, જે આશરે ૬૭ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૨૫-૨૬માં ₹૩,૦૦,૭૯૩ કરોડ સુધી પહોંચી છે. પરિણામે, આજે ભારતની કુલ SEZ નિકાસમાં ગુજરાત એકલું અંદાજે ૨૧ ટકાનો માતબર હિસ્સો ધરાવે છે. આ સમયગાળામાં SEZમાં કુલ રોકાણ ₹૧,૨૨,૬૫૪ કરોડથી વધીને ₹૨,૨૮,૬૨૪ કરોડ થયું છે, જ્યારે રોજગારીની તકો ૬૩,૪૭૫થી વધીને ૨.૨૨ લાખથી વધુ થઈ છે.
તેમણે કહ્યું કે ગુજરાત આજે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. આ માટે રાજ્યમાં ૪ અત્યાધુનિક સેમિકન્ડક્ટર SEZ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં સીજી સેમિ ટેક્નોલોજીસ, કેઇન્સ સેમિકોન, ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને માઈક્રોન ટેક્નોલોજી સામેલ છે.
ભવિષ્યનો રોડમેપ દર્શાવતા પાટિલે જણાવ્યું કે SEZ માટે નિકાસમાં દર વર્ષે ૨૦ ટકા અને રોજગાર સર્જનમાં ૧૦ ટકા વાર્ષિક વૃદ્ધિનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જ્યારે તમામ એકમો ‘પોઝિટિવ નેટ ફોરેન એક્સચેન્જ અર્નિંગ’ (NFE) ની સ્થિતિ પ્રાપ્ત કરે તેવા વિશેષ પ્રયાસો કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં ૧૨ વર્ષમાં વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) મુજબ કારખાનાની સંખ્યા ૨૨,૮૭૬ થી વધીને ૩૩,૩૧૧ (૧.૫ ગણી વૃદ્ધિ) થઈ છે અને કુલ ઔદ્યોગિક ઉત્પાદન ₹૧૨.૩૧ લાખ કરોડથી વધીને ₹૨૬.૩૯ લાખ કરોડ સુધી પહોંચ્યું છે.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’માં સમાવિષ્ટ માળખાકીય પરિવર્તનો વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય સાથે આ નીતિ જાહેર કરી છે. આ માટે કુલ ૨૧ મુખ્ય ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે.
વિકસિત ભારત @૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે આ નવી નીતિમાં ઉદ્યોગો પોતાની વ્યાવસાયિક જરૂરિયાત મુજબ મૂડી સબસિડી, વ્યાજ સબસિડી અથવા પાવર ટેરિફ રિએમ્બર્સમેન્ટની પસંદગી માટે ‘Choose Your Incentive’નું પારદર્શી માળખું બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પ્રોજેક્ટ T.H.R.I.V.E. જેવી પહેલ રાજ્યમાં સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરાશે. જ્યારે ગુજરાતને વૈશ્વિક આર એન્ડ ડી (R&D) હબ બનાવવા માટે સંશોધન, હરિત માળખાકીય સુવિધાઓ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, મહિલા સાહસિકો અને કૌશલ્ય વિકાસ માટે પણ વિશેષ સહાયની જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ નીતિ હેઠળ સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ જેવાં ઉભરતાં ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) અને મજબૂત માળખાકીય સુવિધાઓ વૈશ્વિક રોકાણકારોને આકર્ષીને ગુજરાતને દેશનું અગ્રણી આર્થિક અને નિકાસ હબ બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ અવસરે ઉપસ્થિત વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓએ સરકારની ઔદ્યોગિક નીતિ થકી વિકાસના આયામો વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના વિચારો રજૂ કર્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
