વિદેશી બજારમાં ભારતીય રોકાણકારોની સંખ્યા 51 ટકા વધી, નફો પણ વધ્યોઃ રિપોર્ટ
અમદાવાદ, તા. 26 નવેમ્બર: ભારતીય રોકાણકારો હવે વિદેશી શેરબજારમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે અને સારો નફો પણ કમાઈ રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં વિદેશી બજારમાં ભારતીય રોકાણકારોની સંખ્યા 51 ટકા વધી છે, સાથે સાથે નફાની કમાણીમાં પણ વધારો થયો હોવાનું વેસ્ટેડ (Vested) નામના ગ્લોબલ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મના એક તાજેતરના રિપોર્ટ (How India Invests Globally 2026)માં જણાવવામાં આવ્યું હતું.
આ રિપોર્ટ અનુસાર, વિદેશમાં રોકાણ કરનારાઓમાં ૪૧% યુવાનો (૩૫ વર્ષથી ઓછી ઉંમરના) અને ૨૦% મહિલાઓ છે. ખાસ વાત એ છે કે લગભગ ૭૫% રોકાણકારો ભારતના ટોચના ૧૦ મોટા શહેરોની બહારના એટલે કે નાના શહેરોના છે. જોકે, સરેરાશ રોકાણની રકમમાં બેંગલુરુ ($૧૭,૯૦૦) પ્રથમ નંબરે છે, ત્યારબાદ નોઈડા, ગુરુગ્રામ, મુંબઈ અને હૈદરાબાદનો નંબર આવે છે. આ સંખ્યા વેસ્ટેડ પ્લેટફોર્મ મારફત વિદેશી બજારમાં રોકાણ કરતાં રોકાણકારોની સંખ્યા અને ગતિવિધિઓના આધારે છે.
વિદેશમાં વસતા ભારતીયોનું યોગદાન પણ વધું છે. ખાડી દેશો (UAE, કતાર વગેરે) માં રહેતા ભારતીયોએ કુલ NRI ડિપોઝિટમાં ૭૧% હિસ્સો આપ્યો છે. ભારતમાં રહેતા લોકો કરતાં NRI રોકાણકારોના પોર્ટફોલિયોનું કદ અંદાજે ૨.૩ ગણું વધારે છે. ૬૨% રોકાણકારો કોઈની મદદ વગર પોતાની જાતે જ શેર પસંદ કરીને રોકાણ કરે છે. આ ઉપરાંત, લોકો હવે એકસાથે મોટી રકમ રોકવાને બદલે SIP દ્વારા દર મહિને થોડું-થોડું રોકાણ કરવા તરફ પણ વળ્યા છે. ભારતીય પરિવારો હવે માત્ર દેશ પૂરતા સીમિત ન રહેતા, બાળકોના વિદેશી શિક્ષણ અને નિવૃત્તિના આયોજન માટે દુનિયાભરના બજારોમાં નાણાં રોકી રહ્યા છે.
રોકાણકારોની સંખ્યા અને નફામાં મોટો વધારો: ૨૦૨૫ની સરખામણીમાં ૨૦૨૬માં વિદેશી બજારમાં રોકાણ કરનારા ભારતીયોની સંખ્યામાં ૫૧% નો વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૬ સુધીમાં ભારતીય રોકાણકારોને વિદેશી રોકાણ પર કુલ ૩૫૩ મિલિયન ડોલર (અંદાજે ૨,૯૦૦ કરોડ રૂપિયાથી વધુ) નો નફો થયો છે.
AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો દબદબો: ભારતીયોની સૌથી પહેલી પસંદ AI કંપનીઓના શેર રહ્યા છે. પ્લેટફોર્મની કુલ સંપત્તિમાંથી ૪૦% હિસ્સો AI શેરોમાં રોકાયેલો છે. ૨૦૨૬ના પ્રથમ ૧૦ મહિનામાં AI શેરોનું ટ્રેડિંગ ૨૦૨૫ના આખા વર્ષ કરતાં ૮૭% વધારે રહ્યું છે.
કયા શેર અને ફંડમાં સૌથી વધુ રોકાણ થયું?:
ટોચના અમેરિકન શેર: માઇક્રોન (Micron), એનવીડિયા (Nvidia), સેનડિસ્ક (SanDisk), મેટા (Meta) અને માઇક્રોસોફ્ટ (Microsoft) માં સૌથી વધુ ખરીદ-વેચાણ થયું.
ઇટીએફ (ETF)ની લોકપ્રિયતા: નવા રોકાણકારોમાંથી ૨૮% લોકોએ સીધા શેર ખરીદવાને બદલે ETF (જેમાં એકસાથે ઘણી કંપનીઓના શેરનો સમૂહ હોય છે) થી શરૂઆત કરી.
