JSW એનર્જીએ પશ્ચિમ બંગાળમાં સાલબોનીમાં 1600 મેગાવોટ અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 22 એપ્રિલઃ JSW એનર્જી લિમિટેડે પશ્ચિમ બંગાળામાં સાલબોનીમાં તેના અત્યાધુનિક 1,600 મેગાવોટ (800 મેગાવોટના બે પ્લાન્ટ) અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી હતી. આ શિલાન્યાસ કામગીરીમાં પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યપ્રધાન સુશ્રી મમતા બેનરજી, JSW ગ્રુપના ચેરમેન શ્રી સજ્જન જિંદાલ, JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સુશ્રી સંગીતા જિંદાલ અને JSW ગ્રુપના શ્રી પાર્થ જિંદાલ તેમજ સરકાર તરફથી અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. 16,000 કરોડનો આ પ્રોજેક્ટ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ વેસ્ટ બેંગાલ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (ડબ્લ્યુબીએસઈડીસીએલ) સાથે 25 વર્ષના પાવર પરચેઝ અગ્રીમેન્ટ (પીપીએ) હેઠળ સંકળાયેલો છે.
JSW ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલે જણાવ્યું હતું કે JSW એનર્જીનો આગામી 1,600 મેગાવોટ અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ અમારા ગ્રુપનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ છે અને પશ્ચિમ બંગાળમાં ખાનગી ક્ષેત્ર દ્વારા સ્થપાનારો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ છે. અમે આ પ્રોજેક્ટમાં રૂ. 16,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ અને તે 2,000થી વધુ પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરે તેવી સંભાવના છે. અમે સાલબોનીમાં 2,000થી વધુ એકરમાં JSW ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ ઊભો કરી રહ્યા છીએ જે આધુનિક શહેરી આયોજન પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો હશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજ્યમાં તથા આપણા દેશના પૂર્વીય પ્રદેશમાં ઔદ્યોગિક તથા આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર રહેશે.