ગાંધીનગર, 16 માર્ચઃ ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા  બનવામાં ધ્યાન આપવુ જોઈએ તેવુ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકમાં ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો, સહકારી સંસ્થાઓ, દૂધ ઉત્પાદકો, સરકારી અધિકારી,વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, આયોજકો અને હિતધારકોને એકત્ર થયા છે. આ કોન્ફરન્સનો થીમ “ભારતને વિશ્વની ડેરી બનવા માટેની તક અને પડકારો ” રાખ્યો છે.

દૂધ ઉત્પાદન 1996માં 71 મિલિયન ટનથી વધી 222 મિલિયન ટન થયું

ઈન્ડીયન ડેરી એસોસિએસનના પ્રમુખ આર.એસ. સોઢીએ જણાવ્યું કે છેલ્લે ડેરી ઉદ્યોગની કોન્ફરન્સ 1996માં આણંદમાં યોજાઈ હતી. એ સમયે ભારતમાં દૂધ ઉત્પાદન 71 મિલિયન ટન હતુ તે હવે વધીને 222 મિલિયન ટન સુધી પહોંચ્યુ છે. ભારતમાં દૂધ ઉત્પાદન 3 ગણુ વધ્યુ છે, જ્યારે ગુજરાતમાં ઉત્પાદન 9  ગણું વધ્યું છે જે દૈનિક 30 લાખ લીટરથી વધીને 270 લાખ લીટર થયું. ભારતમાં માથાદીઠ ઉત્પાદન 420 મી.લી. હોવો જોઈએ. અને એક દેશ તરીકે, આપણે આ સ્તર વર્ષ 2020-21માં વટાવી દીધો છે. ભારતમાં દૂધની માંગ 6%ના દરે વધી રહી છે પરંતુ વસ્તી વૃદ્ધિ માત્ર 1% છે.  ઉત્પાદન વર્ષ 2047 સુધીમાં વધીને 628 મિલિયન ટન થવાની ધારણા છે. ભારતના ડેરી ક્ષેત્રનુ બજાર રૂ.13 લાખ કરોડનુ છે,તે જે વર્ષ 2027 સુધીમાં બમણુ થઈને રૂ. 30 લાખ કરોડનુ થવાનો અંદાજ છે.