અમદાવાદ, તા. 10: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વનું  નિવેદન આપતાં શેરબજારમાં આજે સુધારાની ચાલ જોવા મળી શકે છે. ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્તિના આરે હોવાની જાહેરાત સાથે સેન્સેક્સ-નિફ્ટી સુધારા સાથે ખૂલવાની શક્યતા છે.

ગિફ્ટ નિફ્ટી પણ 390 પોઈન્ટના ઉછાળે 24405.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારાનો માહોલના સથવારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં કારોબાર કરે તેવી તીવ્ર સંભાવના છે.

સોમવારે મોટો કડાકો નોંધાયો

યુએસ-ઈરાન યુદ્ધના કારણે ક્રૂડના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી જતાં સોમવારે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. સેન્સેક્સ 1352.74 પોઈન્ટ અને નિફ્ટી 422.40 પોઈન્ટના કડાકે બંધ રહ્યો હતો. જો કે,બાદમાં ટ્રમ્પની જાહેરાત અને મીડલ-ઈસ્ટને ક્રૂડનો સપ્લાય અટકાવવા બદલ ધમકીના પગલે ઓઈલના ભાવ ઘટ્યા હતા.

નિફ્ટીમાં આજે કેવુ રહેશે વલણ

નિફ્ટી 50માં લોઅર હાઈ અને લોઅર લૉ સાથે બુલિશ કેન્ડલ બનતી જોવા મળી છે. ટેક્નિકલી માર્કેટમાં નીચા મથાળે ખરીદી વધવાના આશાવાદ સાથે આજે અપસાઈડ રિકવરી જોવા મળી શકે છે. જો કે, એકંદરે બજાર માળખું નબળુ છે. આજે 24200-24300ના રેઝિસ્ટન્સ લેવલે ટ્રેડ થાય તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નીચામાં 23800નો સપોર્ટ લેવલ જોવા મમળી રહ્યો છે. જો 23700નું સ્તર જાળવ્યું તો ઉપરમાં રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરવાની સંભાવના છે.

બેન્ક નિફ્ટીમાં નીચા મથાળે ખરીદી વધશે

ગઈકાલે બેન્ક નિફ્ટી 3.05 ટકા ઘટી 56019.80ના સ્તરે બંધ રહ્યો હતો. લોંગ લોઅર શેડો સાથે નાની બેરિશ કેન્ડલ રચી હતી. જે નીચા મથાળે ખરીદી વધવાનો સંકેત આપે છે. એપ્રિલ, 2025થી પ્રથમ વખત બેન્ક નિફ્ટી 200 દિવસની ઈએમએથી સરક્યો છે. તેનો તાત્કાલિક સપોર્ટ લેવલ 55600-55500 છે. જો 55500નું લેવલ તોડ્યું તો નીચામાં 54900 સુધી જઈ શકે છે. ઉપરમાં 56500-56600નું રેઝિસ્ટન્સ ઝોન નિર્ધારિત કરવામાં આવ્યું છે.

મેટલ, ઓએમસી, બેન્કિંગ શેરોમાં રિકવરી જોવા મળી શકે

ક્રૂડના ભાવ ભડકે બળતાં મેટલ, ઓએમસી, કોમોડિટી અને બેન્કિંગ શેરોમાં મોટાપાયે વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જો કે, હવે પરિસ્થિતિ થાળે પડવાના આશાવાદ સાથે આ શેરોમાં વોલ્યૂમ વધવાની શક્યતા છે. તેમાં આજે સુધારો જોવા મળી શકે છે.

સેન્સેક્સમાં 77500-77200નો સપોર્ટ ઝોન

સેન્સેક્સના ડેઈલી અને ઈન્ટ્રાડે ચાર્ટ પર લોઅર ટોપ ફોર્મેશન જોવા મળ્યું છે. જે વર્તમાન સ્તરથી વધુ ઘટાડાનો સંકેત પે છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવા છતાં આજે 77500-77200નું સપોર્ટ લેવલ જળવાય તેવી શક્યતા જોવા છે. જો 77200નું લેવલ તોડ્યું તો સેલિંગ પ્રેશર વધશે. વર્તમાન પરિસ્થિતિના આધારે સેન્સેક્સમાં ભારે વોલેટિલિટી જળવાઈ રહેશે. તેનું તાત્કાલિક રેઝિસ્ટન્સ લેવલ 78000-78200 નિર્ધારિત કર્યું છે.