આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ, મેડિકલ, ઇલેક્ટ્રોનિક અને સ્પેશિયાલિટી ગેસ કંપની આઇનોક્સ એર પ્રોડક્ટ્સ લિમિટેડે તેના પ્રસ્તાવિત જાહેર ભરણા (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
આ પ્રસ્તાવિત IPOમાં વર્તમાન સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા પ્રતિ શેર રૂ. 1ની મૂળ કિંમતના 77,156,663 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. સેલિંગ શેરહોલ્ડર્સમાં પ્રોડેયર કોર્પોરેશન, આઇનોક્સ કેમિકલ્સ એલએલપી, સિદ્ધો મલ ટ્રેડિંગ એલએલપી, સિદ્ધોમલ એર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સીતાશ્રી ટ્રેડિંગ એન્ડ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.
વર્ષ 1963માં સ્થાપિત આઇનોક્સ એર પ્રોડક્ટ્સ ત્રણ બિઝનેસ વર્ટિકલ્સ – ઓન-સાઇ, મર્ચન્ટ અને પેકેજ્ડ એન્ડ સ્પેશિયાલિટી ગેસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ગેસ વેલ્યુ ચેઇનમાં કાર્યરત છે. કંપની ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, એસિટિલીન, હિલિયમ, સિલેન, એમોનિયા અને નાઇટ્રસ ઓક્સાઇડ તેમજ મેડિકલ ઓક્સિજન, વેલ્ડિંગ મિક્ષચર્સ અને સ્પેશિયાલિટી ગેસ મિક્ષચર્સનો વિશાળ પોર્ટફોલિયો ઓફર કરે છે.
DRHPમાં ઉલ્લેખ કરાયેલાં ક્રિસિલ રિપોર્ટ મૂજબ આઇનોક્સ એર પ્રોડક્ટ્સ નાણાકીય વર્ષ 2026માં આવકની દ્રષ્ટિએ ભારતમાં 22.4 ટકા બજાર હિસ્સો ધરાવે છે તેમજ આવકની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ, મેડિકલ, ઇલેક્ટ્રોનિક અને સ્પેશિયાલિટી ગેસ કંપની હતી.
કંપનીએ 31 માર્ચ, 2026 સુધીમાં 3,000થી વધુ ગ્રાહકોને સેવા આપી છે તથા કામગીરીમાંથી આવકને જોતાં તેના ટોચના 10 ગ્રાહકો સાથે સરેરાશ સંબંધ 15.90 વર્ષ રહ્યાં છે.
31 માર્ચ, 2026 સુધીમાં કંપની 15 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 57 કેન્દ્રો ઉપર કાર્યરત છે તેમજ વર્તમાન ઓન-સાઇટ ગેસ ક્ષમતા 16,074 ટન પર ડે (ડીપીડી) અને મર્ચન્ટ લિક્વિડ ગેસ ઉત્પાદન ક્ષમતા 5,106 ટીપીડી છે. આગામી ક્ષમતાઓને સામેલ કરતાં ઓન-સાઇટ ગેસની ક્ષમતા 20,388 ટીપીડી અને મર્ચન્ટ લિક્વિડ ગેસ ક્ષમતા 6,027 થવાનો અંદાજ છે.
આ ઉપરાંત કંપની 739 ક્રાયોજેનિક ટેન્કર્સની ફ્લીટનું પણ સંચાલન કરે છે તેમજ પેકેજ્ડ અને સ્પેશિયાલિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે અંદાજે 140,000 સિલિન્ડર્સની જાળવણી કરે છે.
આઇનોક્સ એર પ્રોડક્ટ્સે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ મેન્યુફેક્ચરિંગ અને એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ સહિત ઉભરતા ક્ષેત્રોમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે. કંપનીએ ચેન્નઈ ખાતે ઇલેક્ટ્રોનિક-ગ્રેડ નાઇટ્રસ ઓક્સાઇડ સુવિધા અને હોસુર ખાતે ઇલેક્ટ્રોનિક-ગ્રેડ અલ્ટ્રા-હાઇ-પ્યુરિટી ઓક્સિજન સુવિધા શરૂ કરી. તેણે જાન્યુઆરી 2025 માં એસએઆઇએલની બોકારો સુવિધા ખાતે 2,150 ટીપીડી એર સેપરેશન યુનિટ પણ શરૂ કર્યું છે.
કંપની વર્ષ 1999થી આઇનોક્સ ગ્રૂપ અને એર પ્રોડક્ટ્સ ગ્રૂપની સંયુક્ત માલિકીની છે, જે ભારતીય બજારમાં આઇનોક્સ ગ્રૂપની હાજરી અને અમલીકરણ ક્ષમતાઓને વૈશ્વિક ઇન્ડસ્ટ્રીયલ ગેસ કુશળતા અને ટેક્નિકલ ક્ષમતાઓ સાથે જોડે છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ અને જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
