અમદાવાદ, 26 મેઃ બૈન કેપિટલ દ્વારા સમર્થિત અને ભારતની અગ્રણી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે તેના IPO માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ -1 (UDRHP-1) ફાઇલ કર્યું છે.

સૂચિત પબ્લિક ઓફરમાં ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યૂમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 1,400 કરોડ સુધીનું છે. વેચાણ માટેની ઓફરમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા 1,63,10,733 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા વેચાયેલા ઇક્વિટી શેર્સ સમાવિષ્ટ છે. BC Asia Investments XV Limited પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 1,31,91,900 સુધીના ઇક્વિટી શેર્સ ઓફર કરી રહી છે અને અગાઉ મંગલમ કોલાઇઝ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી મંગલમ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 31,18,833 ઇક્વિટી શેર્સ ઓફર કરી રહી છે.

કંપની પ્રાપ્ત થનાર કુલ રકમનો રૂ. 493.9 કરોડના તેના ચોક્કસ બાકી ઉધારની ચુકવણી કે પૂર્વચુકવણી માટે કરવાની અને ધૂત ઓટો કમ્પોનેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, ધૂત ઇલેક્ટ્રિકલ્સ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, ધૂત ઓટોમોટિવ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ધૂત ટ્રાન્સમિશન યુકે લિમિટેડ સહિતની પેટાકંપનીઓમાં રૂ. 272.58 કરોડના મૂલ્યના તેમના બાકી ઉધારની ચુકવણી કે પૂર્વચુકવણી માટે તેમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. પ્રાપ્ત થનારી રકમનો તમિળનાડુના હોસુરમાં શૂલાગિરિ તથા હરિયાણાના ઝજ્જરના સેક્ટર 11 ખાતે નવા વાયરિંગ હાર્નેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે પણ ઉપયોગ થશે અને આ હેતુ માટે રૂ. 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપની વણઓળખાયેલા સંપાદનો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ ફંડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. પ્રાપ્ત થનારી કુલ રકમનો નાણાંકીય વર્ષ 2027 અને નાણાંકીય વર્ષ 2028માં ઉપયોગ કરવાની યોજના છે.

વર્ષ 1999માં સ્થાપિત ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ ભારતની અગ્રણી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક છે. BC Asia Investments XV Limited અને રાહુલ રાધાવલ્લભ ધૂત કંપનીના પ્રમોટરો છે. BC Asia XV એ એપ્રિલ 2025માં કંપનીમાં 49 ટકા હિસ્સેદારી મેળવી હતી. કંપની મહત્વપૂર્ણ વાયરિંગ હાર્નેસના ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાયનું કામ કરે છે. આ વાયરિંગ હાર્નેસ ઇલેક્ટ્રોનિક સેન્સર અને કન્ટ્રોલર, સ્વિચ, ટર્મિનલ, કનેક્ટર, જંક્શન બોક્સ, હાઈ-વોલ્ટેજ ઇન્ટરકનેક્શન સિસ્ટમ અને ડેટા કેબલ્સને ઇન્ટિગ્રેટ કરે છે અને વિવિધ પ્લેટફોર્મ માટે એપ્લિકેશન-આધારિત આર્કિટેક્ચર પૂરા પાડે છે.

કંપની ભારતના ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાયરિંગ હાર્નેસ બજારમાં ટોચની બે કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2025માં મૂલ્યના આધારે તેનો બજાર હિસ્સો 44.64 ટકા હતો. ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાયરિંગ હાર્નેસ ક્ષેત્રમાં પણ કંપની બજારમાં અગ્રણી છે અને નાણાંકીય વર્ષ 2025 દરમિયાન 70 ટકાથી વધુ બજારહિસ્સો ધરાવે છે. આ આંકડા તેની પરંપરાગત તેમજ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્લેટફોર્મમાં મજબૂત સ્થિતિ રજૂ કરે છે.

31 ડિસેમ્બર, 2025 સુધીમાં કંપની ભારત અને મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ કુલ 22 કાર્યરત ઉત્પાદન એકમો, ત્રણ એન્જિનિયરિંગ અને ડિઝાઇન સપોર્ટ સેન્ટર્સ તથા સાત વેરહાઉસ ધરાવતી હતી. આ માળખા દ્વારા તે ભારત તેમજ વૈશ્વિક સ્તરે મુખ્ય ઓટોમોટિવ ક્લસ્ટર્સ સુધી અસરકારક રીતે પહોંચી શકે છે. ઉપરાંત, ભારતમાં કંપનીના ચાર નવા પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

કંપનીના પ્રતિષ્ઠિત ગ્રાહકોમાં બાજાજ ઓટો લિમિટેડ, ટીવીએસ મોટર કંપની લિમિટેડ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કસ્ટમર 4 અને આઇશર મોટર્સ લિમિટેડની એકમ રોયલ એનફિલ્ડનો સમાવેશ થાય છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનાના સમયગાળા તેમજ નાણાકીય વર્ષ 2025, 2024 અને 2023 દરમિયાન કંપની પાસે અનુક્રમે 477, 466, 436 અને 453 ગ્રાહકો હતા.

કંપનીએ નાણાંકીય વર્ષ 2023થી 2025 દરમિયાન મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2023માં રૂ. 2,125.86 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 3,444.86 કરોડ થઈ હતી, જે આશરે 62 ટકાનો વધારો દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 163.91 કરોડથી વધીને રૂ. 353.89 કરોડ થયો હતો. એબિટા પણ નાણાંકીય વર્ષ 2023ના રૂ. 298.68 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 590.96 કરોડ થઈ હતી. એબિટા માર્જિન 14.05 ટકાથી વધીને 17.15 ટકા થયું હતું, જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન 7.69 ટકાથી વધીને 10.19 ટકા થયું હતું.

એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને 360 વન ડબ્લ્યુએએમ લિમિટેડ આ ઇશ્યૂના બેન્કર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)