અમદાવાદ, 17 માર્ચઃ એસેટ મેનેજર વચ્ચેના સંયુક્ત સાહસ બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાની ચોથી વર્ષગાંઠની ઉજવણી સાથે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ રૂ. 55,000 કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સુધી પહોંચવાનો માઇલસ્ટોન પાર કર્યો છે.

ચોથી વર્ષગાંઠના અવસરે કંપનીએ પોતાના નેટવર્કમાં નોંધપાત્ર વિસ્તરણ પણ કર્યું છે. હાલમાં કંપની 26 શહેરોમાં સીધી હાજરી ધરાવે છે અને દેશભરના 132થી વધુ શહેરોમાં વધારાનું કવરેજ પ્રદાન કરે છે. આ વિસ્તરણ સાથે કંપની ભારતમાં એક સંપૂર્ણ સેવાઓ આપતી એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.

નવેમ્બર 2025માં બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતનું પ્રથમ એવું ફંડ લોન્ચ કર્યું છે જે રોકાણકારોને સીધા અમેરિકાના સ્મોલ-કેપ માર્કેટમાં રોકાણ કરવાની તક આપે છે. આ ફંડ છે બરોડા બીએનપી પારિબા ગિફ્ટ યુએસ સ્મોલ કેપ ફંડ. આ ફંડ ગિફ્ટ સિટી આધારિત પ્રથમ એવું ફંડ છે, જે અમેરિકાની સ્મોલ-કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. આ દ્વારા ભારતીય રોકાણકારોને નિયમનો હેઠળ અને ડોલર આધારિત રોકાણ ફંડ મારફતે અમેરિકાના ઇક્વિટી બજારમાં ભાગ લેવા માટે વિકલ્પ મળે છે. ભારતીય રિઝર્વે બેંક દ્વારા Liberalised Remittance Scheme (LRS) હેઠળ ભારતીય નિવાસીઓને મંજૂર કરાયેલી રેમિટન્સ મર્યાદાનો ઉપયોગ કરીને આ રોકાણની સુવિધા આપવામાં આવે છે.

કંપની યુરોપ અને એશિયામાંથી આવતાં સંસ્થાગત તથા રિટેલ રોકાણકારો માટે ઓફશોર ઇક્વિટી ફંડ્સનું સંચાલન પણ કરે છે. આગળના સમયમાં બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જેમાં SIFs તેમજ ગિફ્ટ સિટી પ્લેટફોર્મ પર વધુ ફંડ્સ ઉમેરવાનું આયોજન છે.