અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ જેપી મોર્ગને પોતાના ગર્વમેન્ટ બોન્ડ ઈન્ડેક્સ-ઈમર્જિંગ માર્કેટ્સ (GBI-EM) ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. જે GBI-EMમાં જૂન-2024થી દેશના 23 ગર્વમેન્ટ બોન્ડ ઈન્ડેક્સ સામેલ કરશે. આ પગલાં સાથે જેપી મોર્ગને વિશ્વની પાંચમી ટોચના અર્થતંત્રમાં અબજો ડોલરના મૂડી પ્રવાહનો માર્ગ મોકળો કર્યો છે.

આ 23 બોન્ડ્સનું સંયુક્ત અંદાજિત મૂલ્ય $33 અબજ છે. જે જીબીઆઈ-ઈએમ ઈન્ડેક્સના કુલ વેલ્યૂમાં 8.7 ટકા સુધી વેઈટેજ ધરાવશે. અર્થાત ભારતનું વેઈટેજ 10 ટકા સુધી વધવાનું જેપી મોર્ગને જણાવ્યું હતું. જેપી મોર્ગનના આ પગલાંને નાણા મંત્રાલય, માર્કેટ નિષ્ણાતોએ આવકાર્યો છે.

JPMorganએ જણાવ્યું હતું કે, 28 જૂન, 2024ના રોજ સ્થાનિક બોન્ડ્સને ઈન્ડેક્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા 10 માસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, ભારતના ઇન્ડેક્સ વેઇટેજમાં વધારાનો 1 ટકા ગ્રોથ થશે. જે અંતે 10 ટકાની મહત્તમ ફાળવણી સુધી પહોંચશે.

ભારતના ફાઈનાન્સિયલ માર્કેટ માટે શુભ સંકેત

વિદેશી રોકાણ વધશેઃ આ પગલાંથી દેશના અર્થતંત્ર અને વૈશ્વિક રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. 28 જૂન, 2024થી આ ઈન્ડેક્સ સામેલ થશે. દેશના ફંડિંગ ખર્ચમાં ઘટાડો કરશે. પરિણામે બોન્ડ્સમાં વિદેશી રોકાણ વધશે.

બોરોઈંગ કોસ્ટ ઘટશેઃ ભારત માટે બેઝ રેટ રીસેટ કરતાં યીલ્ડમાં તીવ્ર ઘટાડો થશે. જેની મદદથી દેશનો બોરોઈંગ કોસ્ટ ઘટશે. કોવિડ-19થી ઉધાર ખર્ચ વધતાં રાજકોષીય ખાધ ઉંચી રહી છે. જેમાં ઘટાડો થશે.

રૂપિયો મજબૂત બનશેઃ બેન્ક ટ્રેઝરી માર્ક-ટુ-માર્કેટ ગેઈન સાથે રૂપિયો મજબૂત બનશે. કારણ કે G-Secની ખરીદીને કારણે ડોલરમાં રોકાણ પ્રવાહ આવશે. બેન્કો, NBFC, લીવરેજ્ડ કંપનીઓ વગેરે માટે સકારાત્મક છે. આજે રૂપિયો ડોલર સામે ઓફશોર ટ્રેડમાં 0.3 ટકા સુધર્યો હતો.

ડેટ માર્કેટ માટે પોઝિટીવ: FIIની હાજરીમાં વધારો થઇ શકે

જેપી મોર્ગનના બેન્ચમાર્ક ઇમર્જિંગ-માર્કેટ ઇન્ડેક્સમાં ભારતીય સરકારના બોન્ડ ઉમેરવાનો નિર્ણય એ ખૂબ જ અપેક્ષિત ઘટના છે જે દેશના ડેટ માર્કેટ માટે નોંધપાત્ર અસરો ધરાવે છે. ભારતની ઈન્ડેક્સમાં $240 અબજની ફાળવણી અર્થાત 10% ફાળવણી નોંધનીય સ્થાન છે. વાસ્તવમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) આ સમાવેશની અપેક્ષાએ પહેલેથી જ ભારતીય ફિક્સ્ડ ઇન્કમ માર્કેટમાં પ્રવેશી રહ્યા હોવાનું પ્રભુદાસ લીલાધરના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને સીઈઓ સંદીપ રાઈચુરાએ જણાવ્યું હતું.