અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ નિરમા ગ્રૂપ સ્પેશિયાલિટી કેમિકલ્સ અને બાંધકામ મટિરિયલ્સ ઉદ્યોગમાં નેતૃત્વ હાંસિલ કર્યા બાદ હવે ફાર્મા સેક્ટરમાં પોતાનુ વર્ચસ્વ વધારતાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ ખરીદવા જઈ રહ્યું છે. નિરમા ગ્રૂપ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિ. પાસેથી ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ લિ.નો 75 ટકા હિસ્સો હસ્તગત કરવા કરાર કર્યો છે. નિરમા આ ડીલ રૂ. 7500 કરોડમાં પૂર્ણ કરશે.

સેબીના નિયમો અનુસાર નિરમા ફરજિયાતપણે ઓપન ઓફર કરશે. આ એક્વિઝિશન પરંપરાગત નિયમનકારી મંજૂરીઓને આધીન છે. આ એક્વિઝિશન સાથે નિરમા ગ્રૂપ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ (API) પ્લેટફોર્મમાં પ્રવેશ કરશે. જે તેના ઇન્જેક્ટેબલ્સ, પેરેંટલ્સ અને ઓપ્થાલ્મિક પ્રોડક્ટ્સ ધરાવતા ફાર્માસ્યુટિકલ્સ પોર્ટફોલિયોમાં તેની હાજરીને વિસ્તૃત કરશે આ ટ્રાન્ઝેક્શન માર્ચ 2023માં ગ્રૂપ દ્વારા સ્ટેરિકોન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના એક્વિઝિશન દરમિયાન પૂર્ણ થશે.

આ મામલે નિરમા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હિરેન પટેલે જણાવ્યું હતું કે, “નિરમા 2006થી ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સક્રિયપણે સંકળાયેલી છે. અમે આ ટ્રાન્ઝેક્શનથી ઉત્સાહિત છીએ, જે અમારા ફાર્માસ્યુટિકલ બિઝનેસને તેના ગ્રોથના આગલા તબક્કામાં લઈ જવા માટે એક આદર્શ પ્લેટફોર્મ રજૂ કરે છે. અમારું લાંબા સમયથી ચાલતું મિશન હંમેશા અફોર્ડેબલ ઉચ્ચ ગુણવત્તાની હેલ્થકેર પ્રોડક્ટ્સ પ્રદાન કરવાનું છે. અમારા તાજેતરના રોકાણો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પ્રત્યેના અમારા અતૂટ જોડાણનો પુરાવો આપે છે.”

વધુમાં, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સના એક્વિઝિશનથી નિરમાને દેશની ટોચની પાંચ એપીઆઈ (API) કંપનીઓમાં સ્થાન અપાવશે. આ વ્યૂહાત્મક પગલું અમને સ્વદેશી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો લાભ લેવા સક્ષમ બનાવે છે, જે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ “મેક ઇન ઇન્ડિયા” પહેલમાં નોંધપાત્ર યોગદાન આપશે.”

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો શેર 3 ટકા વધ્યો

ગ્લનમાર્ક લાઈફ સાયન્સનો શેર આ ડેવલપમેન્ટના પગલે સુધારા તરફી રહ્યો હતો. જે બીએસઈ ખાતે ગઈકાલના બંધ 627.10 સામે આજે ઈન્ટ્રા ડે 669.45ની ટોચે પહોંચ્યો હતો. અંતે 2.95 ટકા ઉછાળા સાથે 645.60 પર બંધ રહ્યો હતો.