Q3 Results: Wiproનો ચોખ્ખો નફો 3 ટકા વધી રૂ. 3053 કરોડ
અમદાવાદઃ આઈટી ક્ષેત્રની કંપની વિપ્રોએ 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 2.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3053 કરોડ (રૂ. 2969 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કોસોલિડેટેડ આવકો 14.35 ટકા વધી રૂ. 23229 કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. 20313 કરોડ હતી. વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા વિપ્રોનો ચોખ્ખો નફો રૂ. 2950 કરોડ આસપાસ થવાનો અંદાજ મૂકાયો હતો. પરંતુ બ્રોકરેજ હાઉસના પણ અંદાજ કરતાં વિપ્રોનો નફો વધ્યો છે. કંપની બોર્ડે વચગાળાનું રૂ. 1 ડિવિડન્ડ જાહેર કર્યું છે. જેની ફાળવણી તા. 10 ફેબ્રુઆરીએ કરશે.
રેવન્યુ ગ્રોથ 11.5- 12 ટકા રહેવા કંપનીનો અંદાજ
કોન્સ્ટન્ટ કરન્સી ટર્મમાં આઈટી સર્વિસ બિઝનેસમાંથી રેવન્યુ ગ્રોથ 11.5-12 ટકા રહેવાની અપેક્ષા વિપ્રોએ વ્યક્ત કરી છે. ત્રીજા ત્રિમાસિકમાં આઈટી સર્વિસિઝમાંથી રેવન્યુ ગ્રોથ 10.4 ટકા વધ્યો હતો. ઓપરેટિંગ માર્જિન 120 બેઝિસ પોઈન્ટ વધી 16.3 ટકા રહ્યા હતા.
મજબૂત સંચાલન અને ઓટોમેશન રંગ લાવશે
ઓપરેટિંગ માર્જિન સિનિયર પદે કાર્યરત કર્મચારીઓને પગાર વધારો, પ્રમોશન, લોંગ ટર્મ ઈન્સેન્ટિવ આપ્યા બાદનો છે. જે મજબૂત સંચાલન અને ઓટોમેશનની ક્ષમતામાં વધારાનો સંકેત આપે છે.- જતિન દલાલ, સીએફઓ, વીપ્રો
ડીલ્સ 26 ટકા વધી 4.3 અબજ ડોલરે
કંપનીએ ત્રિમાસિક દરમિયાન 4.3 અબજ ડોલરની ડીલ હાંસલ કરી હતી. જે ગત વર્ષ કરતાં 26 ટકા વધી છે. જેમાંથી 69 ટકા મોટી રકમના કોન્ટ્રાક્ટ હતાં. ક્લાયન્ટ સાથેના ગાઢ સંબંધો અને હાઈ વિન રેટના કારણે નવા ઓર્ડરમાં સતત વધારો થઈ રહ્યો છે.
એટ્રીશન રેટ સતત ચોથા ત્રિમાસિકમાં સ્થિર રહ્યો
કંપનીનો સેલ્ફ એટ્રિશન રેટ 180 બેઝિસ પોઈન્ટ ઘટ્યો હતો. આ સાથે એટ્રિશન રેટ સતત ચોથા ત્રિમાસિકમાં સ્થિર રહ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એટ્રિશન રેટ 23 ટકા હતો. જે ઘટી ડિસેમ્બર ત્રિમાસિકમાં 21.2 ટકા નોંધાયો છે.