RBI દ્વારા વ્યાજદરમાં વધારાની સાઇકલની શરૂઆત: HDFC બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તા

અમદાવાદ, 8 ઓક્ટોબરઃ RBIએ વિશ્વની પ્રમુખ કેન્દ્રીય બેંકોની સાથે તાલ મિલાવતાં વ્યાજદરમાં વધારાની સાઇકલ શરૂ કરી છે. આ નિર્ણય સ્થાનિક સ્તરે વધી રહેલા ફુગાવાના જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જ્યારે આર્થિક વૃદ્ધિની ગતિ મજબૂત રહી છે. નાણાકીય નીતિના વલણમાં ‘કેલિબ્રેટેડ ટાઇટનિંગ’ તરફનો ફેરફાર એ સંકેત આપે છે કે, આજે કરવામાં આવેલો વ્યાજદરનો વધારો એક વખતનું પગલું નથી પરંતુ વ્યાજદરમાં વધારાની સાઇકલની શરૂઆત છે. RBIનું વલણ અને સુધારેલું મેક્રો પૂર્વાનુમાન નાણાકીય નીતિ વધુ કડક રાખવા તરફનું રહ્યું છે. નાણાકીય વર્ષ 2027 માટે વૃદ્ધિના પૂર્વાનુમાનમાં 40 બેસિસ પૉઇન્ટનો વધારો કરીને તેને 7.1% કરવામાં આવ્યું છે, જ્યારે ફુગાવાના પૂર્વાનુમાનમાં પણ વધારો કરીને તેને 5.2% કરવામાં આવ્યું છે.
અમારું માનવું છે કે, આગામી થોડા મહિનાઓ દરમિયાન કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજદરમાં વધુ 50-75 બેસિસ પૉઇન્ટનો કુલ વધારો કરવામાં આવી શકે છે. વ્યાજદરમાં વધુ આક્રમક વધારાની સાઇકલનું જોખમ પશ્ચિમ એશિયામાં હાલમાં ચાલી રહેલો સંઘર્ષ અને ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલો વધારો વધુ લાંબા સમય સુધી યથાવત રહે છે કે કેમ તેના પર નિર્ભર રહેશે. અમારું અનુમાન છે કે, નાણાકીય વર્ષ 2027માં ફુગાવો સરેરાશ 5.4% રહેશે, જ્યારે ચાલુ ત્રિમાસિકગાળામાં ફુગાવો 6.3% રહેવાની ધારણા છે. વૃદ્ધિની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2027માં 7.1%ના વૃદ્ધિદરની અમારી ધારણામાં અમે કોઈ ફેરફાર કર્યો નથી.
લિક્વિડિટીની વાત કરીએ તો, અમારી ધારણા મુજબ જ RBIએ કોઈ નવા પગલાંની જાહેરાત કરી નથી. આગામી અઠવાડિયામાં વધારાની લિક્વિડિટી સરપ્લસને ઘટાડવા માટે કેન્દ્રીય બેંક સેલ/બાય સ્વેપ્સ, વીઆરઆરઆર અને જરૂર પડે તો ઓએમઓ મારફતે લિક્વિડિટીનું સંચાલન કરવાનું ચાલુ રાખશે, તેવી અમને અપેક્ષા છે. આથી વિશેષ, હવે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે ચલણમાં રહેલી રોકડમાં વધારો થવાથી પણ લિક્વિડિટી બેલેન્સમાં ઘટાડો થવાની શક્યતા છે.
બૉન્ડ માર્કેટની વાત કરીએ તો, વ્યાજદરમાં વધારો અને લિક્વિડિટીની સ્થિતિ સામાન્ય થવાને કારણે આગામી સમયમાં ટૂંકાગાળાના વ્યાજદરોમાં વધારો થશે, જેના પરિણામે કર્વ ફ્લેટ થઈ જવાની ધારણા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
