ટ્રાયફેક્ટાએ ગિફ્ટ સિટી IPO માટે અરજી કરી, ભારતમાં લિસ્ટ થનારી અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી પ્રથમ કંપની બનશે

અમદાવાદ, 12 જૂનઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (“AI”) આધારિત સ્પેશિયલાઇઝ્ડ વર્કફોર્સ અને ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી કંપની ટ્રાયફેક્ટા ઇન્કોર્પોરેશને (“Tryfacta”) ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવેલા એક્સચેન્જ પર તેના સૂચિત આઈપીઓ માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) સમક્ષ ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ (DOD) ફાઇલ કર્યું છે. કંપની અમેરિકામાં ફેડરલ ગવર્મેન્ટ તેમજ રાજ્ય, સ્થાનિક અને શિક્ષણ (“SLED”) ક્ષેત્રની સરકારી એજન્સીઓને પોતાની સેવાઓ પૂરી પાડે છે.

કંપનીના શેર્સનું લિસ્ટિંગ થયા બાદ ટ્રાયફેક્ટા ગિફ્ટ સિટી માળખા હેઠળ ભારતમાં લિસ્ટ થનારી અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી પ્રથમ વિદેશી કંપની બની શકે છે.

પ્રસ્તાવિત આઈપીઓમાં 13.3 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ  અને વેચાણકર્તા શેરધારક રતિકા ત્યાગી દ્વારા 3.0 મિલિયન સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. આ ઇશ્યૂ અમેરિકન ડોલરમાં.

લિસ્ટિંગઃ કંપનીના શેર એનએસઈ આઈએફએસસી લિમિટેડ (NSE IX) તથા ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (India INX) પર લિસ્ટ કરવાની યોજના છે.

ઓફર દસ્તાવેજ મુજબ, ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કાર્યશીલ મૂડીની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને પૂર્વચુકવણી માટે, હસ્તાંતરણો તથા વ્યૂહાત્મક રોકાણો દ્વારા ઇન-ઓર્ગેનિક ગ્રોથ માટે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

1996માં સ્થપાયેલી કંપનીનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના ડબ્લિન શહેરમાં આવેલું છે. કંપનીનું નેતૃત્વ રતિકા ત્યાગી અને આદેશ ત્યાગી કરે છે. શરૂઆતમાં કંપની હેલ્થકેર, આઈટી અને કોમર્શિયલ સ્ટાફિંગ તથા સેવાઓ આપતી હતી પરંતુ હવે તે રિક્રૂટમેન્ટથી લઈને પેરોલ મેનેજમેન્ટ સુધીના સંપૂર્ણ વર્કફોર્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની બની છે. તેની સેવાઓ હેલ્થકેર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એડમિનિસ્ટ્રેટિવ અને પ્રોફેશનલ-સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે.

કંપનીના ક્લાયન્ટ્સ સાથે થયેલા કરારો લાંબા ગાળાના સંબંધો અને સતત માંગ દર્શાવે છે. 31 ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ, કંપનીના આશરે 47 ટકા કરારોની મુદત 5થી 10 વર્ષની હતી, 38 ટકા કરારો 2થી 5 વર્ષ વચ્ચેના હતા, 8 ટકા કરારો 2 વર્ષ અથવા તેનાથી ઓછી મુદતના હતા, જ્યારે બાકીના અંદાજે 6 ટકા કરારો 10 વર્ષથી વધુ સમયગાળાના હતા. તાજેતરમાં કંપનીને ટેક્સાસના એક પોલિટિકલ સબડિવિઝન અને એક ફેડરલ એજન્સી માટે મેડિકલ સપોર્ટ અને સર્વિસીસનું કામ મળ્યું છે.

નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2025 દરમિયાન કંપનીએ અનુક્રમે 70 અને 105 ગ્રાહકોને ફેડરલ તથા SLED સરકારી પ્રોજેક્ટ્સ હેઠળ સેવાઓ આપી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીએ અનુક્રમે 3,960 અને 2,591 વ્યવસાયિક કર્મચારીઓને કરાર આધારિત કામ પર લગાડ્યા હતા.

31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપની અનુભવી ઉમેદવારોનો વિશાળ ડેટાબેઝ ધરાવતી હતી અને તેને અમેરિકાના 41 રાજ્યોમાં 220થી વધુ ફેડરલ તથા SLED ક્લાયન્ટ્સ પાસેથી સ્ટાફિંગ સોલ્યુશન્સ અને પ્રોફેશનલ સર્વિસીસ માટેના કરારો પ્રાપ્ત થયા હતા.

કંપની રિક્રૂટર્સ, ડિલિવરી મેનેજર્સ અને એકાઉન્ટ મેનેજર્સની ટીમના સહયોગથી વિવિધ ડિલિવરી મોડેલ હેઠળ કામ કરે છે. કંપનીએ ભારતમાં મોહાલીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) પણ ઊભું કર્યું છે, જે ભરતીને લગતી કામગીરી, ટેકનોલોજી ડેવલપમેન્ટ, પ્રી-સેલ્સ અને એકાઉન્ટ મેનેજમેન્ટ કામગીરીને સહયોગ આપે છે. તેની સહાયક કંપની ટ્રાયફેક્ટા ગ્લોબલ આઈએફએસસી પ્રાઇવેટ લિમિટેડ મારફતે કંપની ગિફ્ટ સિટીમાંથી પોતાની આંતરરાષ્ટ્રીય સેવાઓના વિસ્તરણની યોજના ધરાવે છે. આ આઈએફએસસી યુનિટ આઈએફએસસીએ (બુક કીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીસ) નિયમો, 2024 હેઠળ BATF સર્વિસ પ્રોવાઇડર તરીકે નોંધાયેલું છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

કંપનીની ચોખ્ખી આવક નાણાંકીય વર્ષ 2023માં 37 મિલિયન યુએસ ડોલરથી 16.76 ટકાના સીએજીઆરથી વધીને નાણાંકીય વર્ષ 2025માં 50.5 મિલિયન યુએસ ડોલર થઈ હતી. આવકનો મોટો હિસ્સો SLED કરારોમાંથી આવ્યો હતો. આ જ સમયગાળામાં કંપનીનો કુલ નફો (ગ્રોસ પ્રોફિટ) 4.9 મિલિયન યુએસ ડોલરથી વધીને 6.6 મિલિયન યુએસ ડોલર થયો હતો.

કંપનીના ઓફર ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલા 1Lattice ઇન્ડસ્ટ્રી રિપોર્ટ મુજબ, અમેરિકાનું વર્કફોર્સ સોલ્યુશન્સ માર્કેટ વર્ષ 2019ના 135.4 અબજ યુએસ ડોલરથી વધીને વર્ષ 2025માં 177.2 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું છે અને વર્ષ 2030 સુધીમાં 224.5 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. સંરક્ષણ, સાયબર સિક્યોરિટી, હેલ્થકેર અને ડિજિટલ મોડર્નાઇઝેશન ક્ષેત્રોમાં વધી રહેલા ફેડરલ રોકાણના પગલે વર્ષ 2025થી 2030 દરમિયાન બજારમાં સરેરાશ 4.8 ટકા વાર્ષિક વૃદ્ધિ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

લીડ મેનેજરઃ યોકી ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.