અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા આશરે 15 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલી જમીન સંપત્તિના વિકાસને આગળ વધારવા, બચ્ચન પરિવારે આનંદ કે. પંડિતના નેતૃત્વ હેઠળની લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ સાથે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં એક મોટા મિક્સ્ડ-યૂઝ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે નોંધાયેલ વિકાસ કરાર કર્યો છે, એવું તપાસાયેલા નોંધણી દસ્તાવેજોમાંથી જાણવા મળે છે.

આ પ્રોજેક્ટનો વિકાસ લોટસ ડેવલપર્સની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની રાઇઝ રૂટ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ વિકાસ નફા વહેંચણી આધારિત અને એસેટ-લાઇટ માળખા હેઠળ અમલમાં મૂકવામાં આવશે. બચ્ચન પરિવારે આ પ્રોજેક્ટ માટે લોટસ ડેવલપર્સને અધિકૃત વિકાસ ભાગીદાર તરીકે નિયુક્ત કર્યા છે.

પ્રોજેક્ટ સ્થળ ગિફ્ટ સિટી વિસ્તારમાં સાબરમતી નદીના રિવરફ્રન્ટ નજીક આવેલું આશરે 23,000 ચોરસ મીટરનું ફ્રીહોલ્ડ, બિન-કૃષિ જમીન ક્ષેત્રફળ ધરાવે છે. આ વિકાસ કરાર દિગ્ગજના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજનું ઔપચારિક રજિસ્ટ્રેશન એબી કોર્પ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે.

લોટસ ડેવલપર્સ માટે આ કરાર ગુજરાતમાં તેમનો વ્યૂહાત્મક પ્રવેશ દર્શાવે છે અને ગિફ્ટ સિટીમાં તેમનો પહેલો પ્રોજેક્ટ પણ છે. કંપનીના તાજેતરના આઇપીઓ અને NSE તથા BSE પર લિસ્ટિંગ બાદ, મુંબઈના મુખ્ય બજારથી આગળ વિસ્તરણ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. લોટસ ડેવલપર્સે જુહુ, બાંદ્રા, પ્રભાદેવી, વર્સોવા, નેપેન્સી રોડઅને અંધેરી જેવા મુંબઈના પ્રાઈમ વિસ્તારોમાં અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક અને પ્રીમિયમ કમર્શિયલ પ્રોજેક્ટ્સ દ્વારા મજબૂત પોર્ટફોલિયો વિકસાવ્યો છે, જે અલ્ટ્રા-પ્રીમિયમ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રચાયેલ છે.

પ્રસ્તાવિત વિકાસમાં એક મિલિયન ચોરસ ફૂટથી વધુ બિલ્ટ-અપ એરિયા આવરી લેવાશે અને તેને અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યૂઝ પ્રોજેક્ટ તરીકે સ્થાન આપવામાં આવશે. યોજનામાં હાઈ-એન્ડ રહેણાંક યુનિટ્સ, ગ્રેડ-એ કમર્શિયલ ઓફિસ સ્પેસ અને પ્રીમિયમ રિટેલનો સમાવેશ થાય છે. સાથે જ હૉસ્પિટાલિટી અને સર્વિસ એપાર્ટમેન્ટ્સ માટે પણ વિશેષ સંભાવનાઓ રાખવામાં આવી છે, જે ગિફ્ટ સિટીના વિકસતા ઓક્યુપાયર પ્રોફાઇલને અનુરૂપ છે. ભારતના એકમાત્ર કાર્યરત આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર તરીકે ગિફ્ટ સિટીમાં કાર્યરત નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને IT/આઈટીઈએસ ક્ષેત્રમાંથી વધતી માંગને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે. નિયમનકારી મંજૂરીઓ અને બજાર પરિસ્થિતિઓને આધીન, આશરે ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની અપેક્ષા છે.

નિયમનકારી પ્રોત્સાહન, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને દેશી તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વધતી ભાગીદારીના કારણે ગિફ્ટ સિટી આજે એક મહત્વપૂર્ણ નાણાકીય અને વ્યાપાર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. બચ્ચન પરિવાર દ્વારા જમીનની શરૂઆતની ખરીદી આ પરિવર્તન પહેલાંની હતી, જે આ પ્રોજેક્ટને હવે અમલ તરફ આગળ વધી રહેલા અગ્રણિ ખાનગી વિકાસોમાં સ્થાન આપે છે.

બજારના જાણકારો આ સોદાને લાંબા ગાળાની વારસાગત જમીન માલિકી અને આઇપીઓ બાદના સંસ્થાગત વિસ્તરણના સંગમ તરીકે જુએ છે. ગિફ્ટ સિટીમાં વિકાસ પ્રવૃત્તિઓ ઝડપ પકડતા જતાં, આ પ્રોજેક્ટ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

બચ્ચન પરિવાર અને લોટસ ડેવલપર્સ વચ્ચેનો સંબંધ નવો નથી. અમિતાભ બચ્ચન લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડમાં આઇપીઓ પહેલાંના રોકાણકાર છે અને કંપની દ્વારા વિકસાવવામાં આવેલા અનેક અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક ઘરોના માલિક પણ છે. આ કારણે તેઓ કંપનીના લાંબા સમયથી રોકાણકાર તેમજ પ્રતિષ્ઠિત ક્લાયન્ટ તરીકે પણ ઓળખાય છે.

લોટસ ડેવલપર્સે વર્ષો દરમિયાન મુંબઈના અલ્ટ્રા-લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. કંપનીના ગ્રાહકોમાં શાહરુખ ખાન, હૃતિક રોશન, ટાઈગર શ્રોફ અને જીતેન્દ્ર સહિત અનેક જાણીતા બોલીવુડ હસ્તીઓનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)