રત્નદીપ રિટેઇલ લિમિટેડે આઇપીઓ માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 જુલાઇઃ  હૈદરાબાદમાં મુખ્યાલય ધરાવતી રત્નદીપ રિટેઇલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવા મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ઉપસ્થિતિ ધરાવે છે અને સંગઠિત ફુડ, ગ્રોસરી અને વેલ્યુ-ફેશન રિટેઇલર છે.

ડીઆરએચપી મૂજબ પ્રસ્તાવિત આઇપીઓમાં રૂ. 400 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 1,48,60,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. સંદીપ અગ્રવાલ, મનિષ ભારતીય, મિતેશ ભારતીય, યશ અગ્રવાલ અને કવિતા અગ્રવાલ કંપનીના પ્રમોટર્સ છે. રત્નદીપ રિટેઇલ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત રૂ. 40 કરોડ કંપની દ્વારા લેવાયેલી લોનના રિપેમેન્ટ/પ્રીપેમેન્ટ માટે, રત્નદીપ અને નેશનલ માર્ટ ફોર્મેટ હેઠળ નવા સ્ટોર્સ શરૂ કરવા રૂ. 260 કરોડ અને બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

રત્નદીપ રિટેઇલ ફ્રેશ ઉત્પાદો, એફએમસીજી, સ્ટેપલ્સ, સામાન્ય માલસામાન અને એપરલ જેવી કેટેગરીમાં 30,000થી વધુ એસકેયુનું વિશાળ અને વૈવિધ્યસભર પ્રોડક્ટ્સ ઓફર કરે છે, જે તેને આવશ્યક, રિકરિંગ અને વિવેકાધીન વપરાશમાં ફેલાયેલી ગ્રાહક માગના સંપૂર્ણ સ્પેક્ટ્રમને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.

31 માર્ચ, 2026 સુધીમાં રત્નદીપ રિટેઇલ બે ફોર્મેસ્ટમાં 190 સ્ટોર્સનું સંચાલન કરે છે. આ ફોર્મેટમાં રત્નદીપ, જેમાં ‘રત્નદીપ માઇન્ડફુલ લિવિંગ’ (નેબરહૂડ સુપરમાર્કેટ્સ) અને ‘રત્નદીપ સિલેક્ટ’ (પ્રીમિયમ ફુડ સ્ટોર્સ) તેમજ તેનું વેલ્યુ-સંચાલિત હાઇપરમાર્કેટ ફોર્મેટ નેશનલ માર્ટ કે જેમાં તેની પાસે સ્ટાઇલ માર્ટ પણ છે, જે એફોર્ડેબલ ફેશન પ્રોડક્ટ્સ ઓફર કરે છે.

કંપની બીઆરએલએમ સાથે પરામર્શ કરીને આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા રૂ. 80 કરોડ સુધીના ઇક્વિટી શેરના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પર વિચાર કરી શકે છે. જો પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ થાય તો ફ્રેશ ઇશ્યૂમાંથી એકત્ર કરાયેલ રકમ ઘટાડવામાં આવશે. રત્નદીપ રિટેઇલની નાણાકીય વર્ષ 2026માં કામગીરીમાંથી આવક રૂ. 2,223 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2024ની તુલનામાં 15 ટકા સીએજીઆર દર્શાવે છે. આ સમયગાળામાં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (પીએટી) રૂ. 36.7 કરોડ નોંધાયો છે.

ડીઆરએચપી મૂજબ એવન્યુ સુપરમાર્કેટ્સ, વિશાલ મેગા માર્ટ, સ્પેન્સર્સ રિટેઇલ અને ટ્રેન્ટ કંપનીના લિસ્ટેડ પિઅર્સ છે. મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, એક્સિસ કેપિટલ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)