અદાણી પોર્ટ્સે USD ૭૫૦ મિલિયનના રોકાણ સાથે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલની ક્ષમતા ૩.૨ મિલિયન TEUs કરી
તા.૦૧ ઓક્ટોબર, ૨૦૨૬:કોલંબો: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના ૭૫૦ મિલિયન યુએસ ડોલરના રોકાણ ધરાવતા બીજા તબક્કાના વિસ્તરણનું શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ આજે કરેલા ઉદ્ઘાટન સાથે તેની ક્ષમતા ૧.૬ મિલિયનથી બેગણી વધીને ૩.૨ મિલિયન TEUs થઈ છે. ૨૦૨૮ સુધીમાં કોલંબો બંદર ખાતેથી ૧૩ મિલિયન TEU કાર્ગોનું પરિવહન કરવાના લક્ષ્યનો લગભગ ૨૫% હિસ્સો હાંસલ કરવાની મહત્વાકાંક્ષાને CWITનું આ વિસ્તરણ વેગ આપશે.
૨૦૨૪માં તેના આરંભિક વર્ષમાં જ ૧ મિલિયન TEUs કાર્ગોનું સંચાલન કરી કાર્ગો પરિવહન માટે સૌથી ઝડપી ટર્મિનલ બનવાનો અગાઉ વિક્રમ સ્થાપ્યા બાદ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલએ કામકાજના પ્રથમ દોઢ વર્ષમાં જ બે મિલિયન TEUs સંચાલન કરીને કોલંબો બંદરની તવારીખમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ પ્રસંગે શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ જણાવ્યું હતું કે સાહસિક દ્રષ્ટિકોણ, વિશ્વાસપાત્ર ભાગીદારી અને આધુનિક માળખાગત સુવિધાઓનો સમન્વય કેવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકે તેનું ઉજળું ઉદાહરણ કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલે વિક્રમી સમયમાં ૨ મિલિયન TEUs કાર્ગોના પરિવહન કરવા સુધી પહોંચીને પુરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આજે બીજા તબક્કાનો થઈ રહેલો કાર્યારંભ એ ફક્ત કોલંબો બંદર માટે જ નહીં, પરંતુ આપણા રાષ્ટ્રના આર્થિક ભવિષ્ય માટે પણ એક મહત્વનું સીમાચિહ્ન છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે શ્રીલંકા વૈશ્વિક વેપારના ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઉપરાંત CWITમાં રોકાણો વધારીને રોજગારીની નવી તકોનું સર્જન કરવા સાથે આંતરરાષ્ટ્રીય વેપારને આકર્ષી સ્પર્ધાત્મકતા વધારી રહ્યા છે ત્યારે હિંદ મહાસાગરના અગ્રણી મેરીટાઇમ અને લોજિસ્ટિક્સ હબ બનવાની આપણી મહત્વાકાંક્ષાને વધુ બળવાન બનાવી રહ્યા છે.
અદાણી પોર્ટ્સ અને સેઝના પૂર્ણકાલિન ડિરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે વધારાની ક્ષમતા સાથે કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ એક સાથે ત્રણ મહાકાય કન્ટેનર જહાજોને લાંગરવાની સવલત પૂરી પાડવા સક્ષમ બનતા પૂર્વ-પશ્ચિમ વેપાર માર્ગ પર એક મહત્વના ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે કોલંબોની ગણના વધુ મજબૂત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે USD ૭૫૦ મિલિયનના રોકાણથી કોલંબો ટર્મિનલની ક્ષમતા બેગણી કરવી એ વૈશ્વિક શિપિંગ કંપનીઓનો વિશ્વાસ દર્શાવતા એક મહત્વના પગલા ઉપરાંત બીજો તબક્કો APSEZના આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્નરૂપ છે. વિસ્તૃત ક્ષમતા, સંપૂર્ણ ઓટોમેશન અને ઊંડા પાણીના આંતરમાળખા સાથે કોલંબોના મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકેની ભૂમિકા અદા કરવા અને શ્રીલંકાના નિકાસ-આયાત કાર્ગોમાં યોગદાન આપવા માટે CWIT સજ્જ હોવાનું શ્રી ગુપ્તાએ હોંશભેર જણાવ્યું હતું.
જ્હોન કિલ્સ ગ્રુપના ચેરપર્સન ક્રિશન બાલેન્દ્રએ કોલંબો બંદર માટે CWITને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવી કહ્યું હતું કે માત્ર ૧૮ મહિનામાં બે મિલિયન TEUsનો આંકડો સિધ્ધ કરવો એ આ ભાગીદારીની સફળતાનું મજબૂત પ્રમાણ છે. તેમણે કહ્યું હતું કે ટર્મિનલના વિસ્તરણ સાથે આગામી સમયમાં અમે મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે કોલંબોની સ્થિતિને મજબૂત કરી વેપારના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે શ્રીલંકાના વિકાસને ટેકો આપવાની વધુ મોટી તક અમે નિહાળી રહ્યા છીએ. APSEZ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી સાથે મળીને આ સફરના એક યાત્રી બનવા માટે તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો. APSEZ, જોન કિલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ૩૫ વર્ષના BOT કન્સેશન હેઠળ વિકસાવવામાં આવેલા CWIT એ ૩,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે.
શ્રીલંકાનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત CWIT ડીપ-વોટર કન્ટેનર ટર્મિનલ સંપૂર્ણ રીતે વીજળી-સંચાલિત અને શૂન્ય ‘ટેલપાઇપ’ ઉત્સર્જન સાથે વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજોને સેવા આપવા માટે બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલે સુરક્ષિત કામકાજના ૧.૭ કરોડ કલાકો નોંધાવ્યાની સાથે તેની કામગીરી અને પર્યાવરણીય ક્ષમતા તેમજ સુરક્ષા અને કર્મચારી-સંબંધિ શ્રેષ્ઠતાને પણ રેખાંકિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
