રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે સહભાગિતા

ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો હેતુ

મુંબઈ / ન્યૂ યોર્ક, 15 ઓક્ટોબર 2026: રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝની પરોપકારી શાખા ‘ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન’ દ્વારા લાંબાગાળાની સહભાગિતા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો છે.

આ કાર્યક્રમ 14 થી 20 વર્ષની વયની ગ્રામીણ અને શહેરી બંને સમુદાયોની બાળકીઓ અને યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, તે અંતર્ગત તેમનામાં જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી થશે,  ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવાની યોજના છે. આ પહેલ યુવતીઓ અને બાળકીઓમાં ડિજિટલ તેમજ નાણાકીય સાક્ષરતા ફેલાવવામાં મદદ કરશે અને તેમને શૈક્ષણિક અભ્યાસક્રમો, તાલીમ અને આજીવિકા જેવા ભવિષ્યના માર્ગો વિશે માહિતગાર કરશે, જેથી તેઓ પોતાના જીવનના આગામી તબક્કા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે.

આ ભાગીદારી અંગે વાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે દરેક બાળકી પાસે મોટું સપનું જોવાનો આત્મવિશ્વાસ, નેતૃત્વ કરવાની હિંમત અને પોતાની આકાંક્ષાઓ પૂરી કરવાની તક હોવી જોઈએ. મને ખુશી છે કે આ ભાગીદારી થકી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન એક મિલિયન બાળકીઓ અને યુવતીઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે જરૂરી મક્કમતા પૂરી પાડવા માટે એક થઈ રહ્યા છે – જે વ્યક્તિથી લઈને તેમના પરિવાર અને સમગ્ર સમુદાય સુધી વિસ્તરતા એક શક્તિશાળી પરિવર્તનની શરૂઆત કરશે.”

આ અંગે ધ એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી સ્ટેફન ડી લા ફેવેરીએ જણાવ્યું હતું કે “ભારતમાં બાળકીઓ અને યુવતીઓ માટે વધુ તકો ઊભી કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે, જે તેમનામાં આધુનિક કાર્યો માટેના માનવસમૂહમાં જોડાવા માટે અને સફળ થવા માટે જરૂરી કૌશલ્યોનું નિર્માણ કરશે. ધ એસ્ટે લોડર કંપનીઝની સ્થાપના એક અસાધારણ મહિલા ઉદ્યોગસાહસિક દ્વારા કરવામાં આવી હતી અને આજે આપણી વૈશ્વિક કાર્યક્ષમતામાં મહિલાઓનો હિસ્સો 80 ટકા કરતાં પણ વધુ છે. જ્યારે મહિલાઓને શીખવાની, નેતૃત્વ કરવાની અને પોતાનું ભવિષ્ય જાતે ઘડવાની તક મળે છે ત્યારે તેઓ જે જબરદસ્ત અસર ઊભી કરી શકે છે તે આપણે જાણીએ છીએ. વધુ મહિલાઓ અને યુવતીઓને તેમની ક્ષમતાઓને ઓળખવામાં અને ભવિષ્યને નવો આકાર આપવામાં મદદ કરવા માટે એકસાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ.”

મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવા માટેનો એક સહિયારો સંકલ્પ

મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવાના સહિયારા સંકલ્પ સાથે આ કાર્યક્રમ બે સંસ્થાઓને એકસાથે લાવે છે. આ ભાગીદારી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ અભૂતપૂર્વ તકો રજૂ કરી રહ્યો છે, જ્યાં કાર્યક્ષમ માનવસમૂહમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પરિવર્તન માટેની એક મુખ્ય ચાવી બની રહેશે.

રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલો આ કાર્યક્રમ મુખ્યત્વે નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે:

  • જીવન કૌશલ્ય: આત્મવિશ્વાસ અને આત્મસન્માનનું નિર્માણ કરવું, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વને મજબૂત બનાવવું અને રોજિંદા પડકારોનો સામનો કરવા માટેના કૌશલ્યો વિકસાવવા.
  • ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા: ડિજિટલ સાધનો અને નાણાકીય સેવાઓનો સુરક્ષિત અને અસરકારક રીતે ઉપયોગ કરવા માટે જ્ઞાન અને આત્મવિશ્વાસ કેળવવો.
  • પસંદગી અને સ્વતંત્રતા: યુવતીઓને યોગ્ય નિર્ણયો લેવા અને તેમની સુરક્ષા, ગતિશીલતા, શિક્ષણ અને રોજગારીની તકો પર સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રભાવો સાથે સક્ષમ રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ અને કૌશલ્યો કેળવવામાં મદદ કરવી.
  • ભવિષ્યના માર્ગો વિશે માહિતી પૂરી પાડવી: શિક્ષણ, આજીવિકા, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા સહિતના ભવિષ્યના માર્ગો અંગેની માહિતી પૂરી પાડવી, જેથી યુવતીઓ તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પોની વધુ સારી સમજ મેળવી શકે.

આ પહેલને બિન-નફાકારક સંસ્થા ‘ગર્લ ઇફેક્ટ’ સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે, જેનો હેતુ બાળકીઓ માટેના અભ્યાસક્રમ અને શિક્ષણ સંસાધનો વિકસાવવામાં સંસ્થાના નિષ્ણાત જ્ઞાનનો લાભ લેવાનો છે. આ બે-વર્ષીય કાર્યક્રમ તળિયાના વિવિધ સ્તરના અમલીકરણ માટેના ભાગીદારો સાથે મળીને કામ કરીને પ્રત્યક્ષ અને ડિજિટલ તાલીમ તેમજ ક્ષમતા નિર્માણ પૂરું પાડશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)