આંધ્ર પ્રદેશમાં અદાણી એનર્જીને રુ.૮૫૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો

અમદાવાદ, 25 જુલાઈ: અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ  આંધ્રપ્રદેશમાં રુ.૮,૫00 કરોડનો આંતર-રાજ્ય  ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો હોવાનું જણાવ્યું છે. કંપનીને “આંધ્રપ્રદેશના વિઝાગ વિસ્તારમાં પ્રસ્તાવિત ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમના પ્રથમ તબક્કા માટે ભારત સરકારના ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગના ફ્રેમવર્કની પ્રક્રિયા મારફત આ પ્રકલ્પ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં અદાણી એનર્જી સોલ્યુશન્સ સૌથી સ્પર્ધાત્મક બિડર તરીકે ઉભરી આવી હતી. વિઝાગ ક્ષેત્રમાં ૪,૫00 મેગાવોટની અંદાજિત માંગને પહોંચી વળવા માટે પ્રસ્તાવિત ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા  પ્રકલ્પના એકીકરણ અને વીજળી પુરવઠો પૂરો પાડવાની કામગીરી સરળ બનાવવા માટેની વીજ ટ્રાન્સમિશન સિસ્ટમની વ્યવસ્થાનું આયોજન થયું છે.  આ સાથે કંપનીની ઓ:ડર બુક રુ.૮૦ હજાર કરોડથી વધુએ પહોંચી છે.

આ પ્રકલ્પ પેંડુર્થી-વિઝાગ પ્રદેશમાંથી વધતી જતી અપેક્ષિત લોડ જરૂરિયાતને પણ ટેકો આપશે. આ વિસ્તારમાં ડેટા સેન્ટર અને ડિજિટલ માળખાકીય ક્ષેત્રમાં રોકાણોનો નવો પ્રવાહ આવી રહ્યો છે. વિઝાગ પાવર ટ્રાન્સમિશન લિ. હેઠળ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ મારફત આ પ્રકલ્પનું અમલીકરણ કરવામાં આવશે. તેના કાર્યક્ષેત્રમાં પેન્ડુરથી(વિઝાગ) ખાતે ૪×૧૫00 MVA, ૭૬૫/૪00 kV GIS સબસ્ટેશન અને ૩×૧૫00 MVA, ૭૬૫/૪00 kV ખમ્મમ-II સબસ્ટેશનના નિર્માણનો સમાવેશ થાય છે. આ સાથે કંપની  ૧,૫૮૨ ckm ટ્રાન્સમિશન લાઇન અને ૧૦,૫00 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરશે, પરિણામે તેના ટ્રાન્સમિશનનું કુલ નેટવર્ક ૨૯,૫૩૧ ckm અને ૧,૩૩,૬૭૫ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના મુખ્યકારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષમતાના વિકાસને ટેકો આપનારો આ પ્રકલ્પ પેન્ડુર્થી-વિઝાગ ક્ષેત્રમાં ઉભરતી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંગ માટેની ગ્રીડને પણ મજબૂત બનાવશે.

પ્રદેશમાં જેમ જેમ તેનો વિકાસ થશે તે મુજબ ગ્રીન મોલેક્યુલ્સ જનરેશન (ગ્રીન હાઇડ્રોજન) અને ડેટા સેન્ટર્સ મોટા પાયે વધશે તે સાથે વિશ્વસનીય ઉચ્ચ-ક્ષમતાનું ટ્રાન્સમિશન માળખું વીજળીની ઉપલબ્ધતા, ગ્રીડની સ્થિરતા અને લાંબા ગાળાની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા માટે તે મહત્વપૂર્ણ બનશે. આ પ્રકલ્પ 30 મહિનામાં સંપ્પન કરવા માટે કરારબદ્ધ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)