ભારતની ડેરી ઉત્પાદકતાના પડકારોને ઝીલવા ક્લાઇમેટ-સ્માર્ટ સમાધાનની જરૂર

કેપ્ટન (ડૉ.) એ. વાય. રાજેન્દ્ર, CEO – એનિમલ ન્યૂટ્રિશન બિઝનેસ, ગોદરેજ એગ્રોવેટ

અમદાવાદ, 16 જુલાઇઃ ભારતીય ડેરી ક્ષેત્રને આબોહવામાં પરિવર્તન સામે સમાધાન કરવાની પોતાની ક્ષમતાને તાત્કાલિક ધોરણે મજબૂત કરવી પડશે, કારણ કે અલ-નીનોની અંદાજિત સ્થિતિને કારણે ઓછો વરસાદ, લાંબો સમય હીટવેવ (લૂ) અને પશુઓ પર ગરમીનું દબાણ વધવાનું જોખમ છે. ભારતીય હવામાન વિભાગે (IMD) અંદાજ વ્યક્ત કર્યો છે કે, ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશનો આશરે 90 ટકા થશે અને વરસાદ ઓછો થવાની સંભાવના 60 ટકા છે. એનાથી દૂધ ઉત્પાદનને લઈને ચિંતામાં વધારો થયો છે, કારણ કે વિલંબથી શરૂ થયેલાં કે નબળાં ચોમાસાથી ઉનાળામાં અતિ તાપમાનમાંથી બહુ ઓછી રાહત મળે છે. જ્યારે ભારત દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, ત્યારે એની ઉત્પાદકતા હજુ પણ ઓછી છે. દૂધનું સરેરાશ ઉત્પાદન દરરોજ 4.87 કિલોગ્રામ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે દૂધનું સરેરાશ ઉત્પાદન 7.18 કિલોગ્રામ છે. આ ફરકમાં ઉનાળાની ગરમીએ વધારો કર્યો છે. વિવિધ અભ્યાસો દર્શાવે છે કે, દુષ્કાળની સ્થિતિમાં દૂધનું ઉત્પાદન 25 ટકાથી વધારે ઘટી શકે છે, તો અલ-નીનોથી પ્રભાવિત ડેરી સિસ્ટમના આંતરરાષ્ટ્રીય આંકડાથી ઉત્પાદનને 25થી 30 ટકા નુકસાન થવાનો સંકેત મળે છે. ભારતનાં મુખ્યત્વે નાનાં ડેરી ખેડૂતોનાં ક્ષેત્રમાં આબોહવા સાથે સંબંધિત એક આંચકો ખેડૂતોના અભિગમને અસર કરે છે, જેથી રોકાણમાં ઘટાડો થાય છે, પશુઓની સંખ્યા વધારવામાં વિલંબ થાય છે અને દૂધાળા પશુઓને જાળવવા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. આબોહવાનો તણાવ ડેરી ફાર્મિંગને અનેક સ્તરે પ્રભાવિત કરે છે. ગરમીથી દૂધનું ઉત્પાદન ઘટી જાય છે, રોગપ્રતિકારકક્ષમતા નબળી પડે છે અને પ્રજનનક્ષમતા પર ખરાબ અસર પડે છે, તો ચોતરફ પાણીની ખેંચ ઉત્પાદકતાને વધારે પ્રભાવિત કરે છે. જેમ જેમ આબોહવામાં પરિવર્તનને કારણે સિઝનમાં આત્યાંતિક સ્થિતિઓ વારંવાર ઊભી થાય છે, તેમ તેમ ડેરી ફાર્મિંગને આબોહવાને અનુકૂળ બનાવવો વિકલ્પ નથી, પરંતુ જરૂરિયાત છે.

મુશ્કેલ સ્થિતિસંજોગોનો સામનો કરવાની ક્ષમતા વધારવાની દિશામાં પ્રથમ પગલું છે – શ્રેષ્ઠ પોષણ. ગરમીની અસરથી પશુચારાનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. દૂધ આપતી ગાયો 25–26°C તાપમાન પર ચારાનું ઓછું સેવન શરૂ કરે છે, તાપમાન 30°Cથી વધી જવાથી આ પ્રમાણ ઝડપથી ઘટે છે અને 40°C પર તો 40 ટકા સુધી ઓછું થઈ જાય છે. પાણીની ઉપલબ્ધતા પણ એટલી જ જરૂરી છે, કારણ કે દરેક લીટર દૂધ માટે લગભગ 4થી 5 લિટર પાણીની જરૂર પડે છે. જ્યારે પશુઓ ચારા અને પાણીનું સેવન ઓછું કરે છે, ત્યારે દૂધનું ઉત્પાદન, સ્વાસ્થ્ય અને પ્રજનનક્ષમતા એમ તમામ પર ખરાબ અસર થાય છે.

વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલ મિશ્ર પશુચારો આ પોષણની ઊણપ પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી ચારાનું ઓછું સેવન કરવા છતાં પશુઓને જરૂરી પોષણ તત્વો મળે છે અને પાચનમાં શરીરમાં ઓછી ગરમી પેદા થાય છે. સંતુલિત પોષણથી ચારાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે, ખરાબ ગુણવત્તાયુક્ત ચારાની ઊણપ પૂરી થાય છે, પ્રજનનક્ષમતા વધે છે અને રોગપ્રતિકારકક્ષમતામાં પણ વધારો થયા છે, જેથી પશુઓ સિઝનની માઠી અસરનો વધારો સારી રીતે સામનો કરી શકે છે.

જોકે, પોષણની સાથે સાથે કૃષિનાં સારાં મેનેજમેન્ટનો ટેકો પણ જરૂરી છે. છાયો, મકાનમાં સારો હવાઉજાસ અને સ્વચ્છ પાણી મળવાથી ગરમીથી થતો તણાવ ઘટાડવામાં મદદ મળે છે. સારી સાફસફાઈ, સમયસર રસીકરણ, નિયમિત રીતે પશુની સારવાર અને દૂધ કાઢવા સ્વચ્છ રીતો – આ તમામ એ બીમારીઓ રોકવા જરૂરી છે, જે દૂધના ઉત્પાદન પર સીધી અસર કરે છે. ચિલિંગ કે ઠંડક માટે માળખાગત સુવિધા અને સ્વચ્છ રીતે દૂધનો સંગ્રહ કરવામાં રોકાણ કરવાથી દૂધની ગુણવત્તા પણ સુધરે છે અને તેનો બગાડ ઓછો થાય છે.

નવી ટેકનોલૉજીની સ્વીકાર્યતા વધારવામાં જાણકારીનું આદાનપ્રદાન ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ડિજિટલ એડવાઇઝરી પ્લેટફૉર્મ, ખેતરનું પ્રદર્શન અને ખેડૂત તાલીમ કાર્યક્રમો શ્રેષ્ઠ રીતો ફેલાવવામાં મદદરૂપ થઈ શકે છે, તો નવી ટેકનોલૉજીઓ ખેડૂતોને પશુઓનાં સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર શ્રેષ્ઠ રીતે નજર રાખવામાં મદદ કરે છે. બ્રીડિંગ પ્રોગ્રામમાં સતત રોકાણ કરવાથી ગરમી સહન કરી શકે અને વધારે દૂધ આપે એવા પશુઓ તૈયાર કરવામાં પણ મદદ મળશે.

આબોહવાના હિસાબથી પોતાને ઢાળવાની ક્ષમતા જાળવવા સહિયારી કામગીરીની જરૂર છે. ઉદ્યોગમાં જાગૃતિ, પ્રોગ્રામ, ડેમો અને વૈજ્ઞાનિક રીતે પશુચારાનું સેવન કરવા સમાધાનો ખેડૂતોની મદદ કરી શકે છે, તો રાષ્ટ્રીય ગોકુળ મિશન અને પશુ ઔષધિ જેવી સરકારી પહેલો અગાઉથી જ પશુઓની જાતમાં સુધારો અને પશુઓની સારવારને મજબૂત કરી રહી છે. સતત નીતિગત ટેકો, સરળતાપૂર્વક લોન મળવી અને આબોહવાના હિસાબે અનુકૂળ થવાની રીતો અપનાવવા માટે પ્રોત્સાહન આપવાથી પ્રગતિ ઝડપથી થશે.

જેમ જેમ આબોહવામાં અનિશ્ચિતતા સામાન્ય થતી જાય છે, તેમ તેમ ડેરીની ઉત્પાદકતા વધારવાનો સંબંધ ફક્ત દૂધના ઉત્પાદનમાં વધારા સાથે રહ્યો નથી. એનો ઉદ્દેશ ખેડૂતોની આજીવિકા જાળવવાનો, ખાદ્યસુરક્ષાને મજબૂત કરવાનો અને ભવિષ્યમાં સિઝન સાથે સંબંધિત પડકારોનો સામનો કરી શકે એવું ડેરી ક્ષેત્ર ઊભું કરવાનો છે. હાલ ક્ષમતા અને અનુકૂળ થવાની ક્ષમતાથી ખાતરી થશે કે ભારતીય ડેરી ક્ષેત્ર ઉત્પાદક અને ટકાઉ રહેશે તથા આગામી પડકારો માટે સજ્જ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)