શેરબજારમાં તેજીઃ બે દિવસમાં રોકાણકારોની મૂડીમાં પાંચ લાખ કરોડનો ઉમેરો, જાણો વલણ
અમદાવાદ, તા. 26 નવેમ્બરઃ Stock Market Closing: શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત લેવાલી તેમજ બ્લૂચીપ શેર્સમાં વેલ્યૂ બાઈંગના પગલે સળંગ બીજા દિવસે તેજીનો દોર જળવાઈ રહ્યો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 613.46 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટીએ 26000ના લેવલ તરફ આગેકૂચ કરી હતી. જો કે, તે હાંસલ કરવામાં સફળ રહ્યો ન હતો. સળંગ બે દિવસની તેજીમાં રોકાણકારોની મૂડીમાં રૂ. 5 લાખ કરોડનો ઉમેરો થયો છે.
બેન્કિંગ બાદ આઈટી શેર્સમાં નીચા મથાળે ખરીદી વધતાં સેન્સેક્સ આજે 390.31 પોઈન્ટના ઉછાળે 84328.59 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ટ્રા ડે 25974ની ટોચે પહોંચ્યા બાદ અંતે 65.25 પોઈન્ટના ઉછાળે 25884.50 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો, વિદેશી રોકાણકારોની સતત ખરીદી, મોટા કરેક્શન બાદ બ્લૂચીપ શેર્સમાં વેલ્યૂ બાઈંગ તેમજ રૂપિયામાં મજબૂતાઈ સહિતના પરિબળો શેરબજારને ટેકો આપી રહ્યા છે. નોંધનીય છે કે ચાલુ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં કુલ 9,869.06 પોઈન્ટ (13.25%) અને નિફ્ટીમાં 2,831.40 પોઈન્ટ (12.28%) નો જંગી ઉછાળો નોંધાયો છે.
IT શેરોમાં રોનક, કન્ઝ્યુમર શેરોમાં દબાણ
સેન્સેક્સ પેકમાં સામેલ કંપનીઓમાં IT શેરોએ બજારને સૌથી વધુ ટેકો આપ્યો હતો. એશિયન ટેક શેરોમાં આવેલા સુધારાને પગલે સ્થાનિક બજારમાં પણ ખરીદી જોવા મળી હતી. જેમાં HCL ટેક સૌથી વધુ 6.28 ટકા ઉછળ્યો હતો. ત્યારબાદ TCS (4.97%), ઇન્ફોસિસ (4.70%), ટેક મહિન્દ્રા (3.33%), HDFC બેંક (2.70%) અને ટાટા સ્ટીલ (2.67%) માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને ટ્રેન્ટ જેવા શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
FII ખરીદી અને અમેરિકી ટેરિફની અસર
બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ભારતીય બજારમાં ₹4,479.08 કરોડ ની ચોખ્ખી ખરીદી કરી હતી. બીજી તરફ, અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ જો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર થાય તો આ ટેક્સ ઘટાડીને 17 ટકા સુધી સીમિત રાખવાની જોગવાઈ રાખી છે. અન્ય એશિયન હરીફ દેશોની સરખામણીએ ભારત માટે આ દર થોડો રાહતરૂપ હોવાથી બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યું હતું.
વૈશ્વિક બજાર અને ક્રૂડ ઓઈલની સ્થિતિ
વૈશ્વિક મોરચે, દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી-225, શાંઘાઈ અને હોંગકોંગના બજારો સુધારા સાથે બંધ થયા હતા, જ્યારે યુરોપિયન બજારોમાં પણ મજબૂતી જોવા મળી હતી. જોકે, બુધવારે અમેરિકી બજારો મિશ્ર વલણ સાથે બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 0.79 ટકા ઘટીને 93.86 ડોલર પ્રતિ બેરલ પર રહ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
