નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 19,819.45 પોઇન્ટની નવી ટોચે

સેન્સેક્સ- નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે

વિગતસેન્સેક્સનિફ્ટી
સોમવારે બંધ66,589.9319,711.45
ખુલ્યો66,828.9619,787.50
વધી67,007.0219,819.45
ઘટી 66,574.4719,690.20
બંધ66,795.1419,749.25
સુધારો+205.21+ 37.80
સુધારો+0.31%0.19%

અમદાવાદ, 18 જુલાઇઃ

સ્માર્ટ ઇન્વેસ્ટર્સઃ શેરબજારો જ્યારે બોટમ નજીક હોય ત્યારે એન્ટર થાય છે

ટ્રેડર્સઃ માર્કેટ બોટમ આઉટ થઇ સુધારાની ચાલ ઝડપી બને ત્યારે એન્ટર થાય છે

જનરલ ઇન્વેસ્ટર્સઃ માર્કેટ જ્યારે ટોપની નજીક પહોંચે વોલેટિલિટી વધે અને વોલ્યૂમ્સ ઘટે ત્યારે એન્ટર થાય છે અને ત્યારે પહેલાં બન્ને વર્ગ પ્રોફીટ બુકિંગમાં લાગી ગયા હોય છે….!!

ભારતીય શેરબજારોમાં ફુલગુલાબી નહિં, હવે આગઝરતી તેજીના મંડાણ થઇ ચૂક્યા છે. જેમાં સેન્સેક્સ મંગળવારે 67000 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો હતો. માર્કેટ નિષ્ણાત, બજાર પંડિતો, ચાની લારી અને પાનના ગલ્લાઓ ઉપર ફરી આઇપીએલ, પોલિટિક્સ અને દેશની દિશા- દશાની ચર્ચાનું સ્થાન શેરબજારોમાં તેજી કેટલી ચાલશે, કયો શેર બ્લૂચીપ બનશે અને કયો શેર ધોવાશેની નિષ્ણાત કોમેન્ટ્રીઓ શરૂ થઇ ચૂકી છે. ટીડા જોશીઓ પણ ટિપણા ખોલીને ટિપ્સ આપવા લાગ્યા છે. જોકે, વિદેશી નાણાકીય સંસ્થાઓની ચાલુ કેલેન્ડર વર્ષમાં જૂન માસથી શરૂ થયેલી ધીમી ખરીદી સૂચવે છે કે, માર્કેટની તેજી થોડું લાબું ખેંચી શકે છે. પરિણામોની મોસમમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ વચ્ચે આજે આઈટી શેર્સની આગેવાનીમાં બીએસઈ સેન્સેક્સ વધુ 205 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. આજે ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સે પહેલી વાર 67000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી જ્યારે નિફ્ટી પણ પહેલીવાર 19800ની સપાટીને ટચ કર્યા બાદ પાછો પડ્યો હતો અને 19,700ની ઉપર બંધ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં બજારની તેજી વચ્ચે પણ કરેક્શન જોવા મળ્યું હતું. આજે ઈન્ફોસિસના શેર 4 ટકા સુધી વધ્યા હતા.

સેન્સેક્સમાં દિવસ દરમિયાન માત્ર 129 પોઇન્ટની વોલેટિલિટી

BSE સેન્સેક્સ ઉપરમાં 67,007.02 (નવી ટોચ) અને નીચામાં 66,574.47 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 205.21 પોઈન્ટ્સ અથવા 0.31 ટકા ઉછળીને 66795.14 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,819.45 (નવી ટોચ) અને નીચામાં 19,690.20 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 37.80 પોઈન્ટ્સ અથવા 0.19 ટકાના ઉછાળા સાથે 19749.25 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ ઇન્ડાઇસિસ પૈકી આઈટી, ટેકનો, પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, એનર્જી તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓટો, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 અને 0.47 ટકા ઘટીને બંધ રહ્યા હતા.