અમદાવાદ, 18 જુલાઇઃ અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીએ આજે એજીએમમાં હિન્ડેનબર્ગના આરોપો વિશે સ્પષ્ટતા કરી છે. ગૌતમ અદાણીએ હિન્ડેનબર્ગે અંગત સ્વાર્થ માટે આક્ષેપો લગાવ્યા હોવાનું જણાવ્યું છે. વિશ્વના ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાને રહી ચૂકેલા ગૌતમ અદાણીએ કહ્યું છે કે, ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા તેમજ શેર્સના ભાવ તોડી નફો કમાવવાના ઉદ્દેશ સાથે હિન્ડેનબર્ગે આ કાવતરૂ ઘડ્યું છે. હિન્ડેનબર્ગે એવા સમયે રિપોર્ટ રજૂ કર્યો હતો, જ્યારે દેશનો સૌથી મોટો અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ આવી રહ્યો હતો. જો કે, રિપોર્ટના લીધે રોકાણકારોના હિતોની રક્ષા કરતાં ગ્રૂપે એફપીઓ યોજના માંડી વાળી હતી. હિન્ડેનબર્ગના અહેવાલમાં ખોટી માહિતી અને બદનામ કરતાં આક્ષેપો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને 2004થી 2015 દરમિયાન શેરોની હેરાફેરી થઈ હોવાનો આરોપ હતો. જેનો હેતુ અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને અમારા શેરના ભાવના ટૂંકા ગાળાના ડ્રાઇવ-ડાઉન દ્વારા નફો પેદા કરવાનો હતો.

સુપ્રિમ કોર્ટની કમિટીને કોઈ રેગ્યુલેટરી ગેરરીતિનો પુરાવો મળ્યો નથી

2022-23: અદાણી ગ્રુપનો ચોખ્ખો નફો 82 ટકા વધ્યો

કુલ EBITDA36% વધીને રૂ. 57,219 કરોડ
કુલ આવક85% વધીને રૂ. 2,62,499 કરોડ
કુલ ચોખ્ખો નફો82% વધીને 23,509 કરોડ

દેશની સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ કરવા નિષ્ણાત કમિટીની રચના કરી હતી. જેઓએ મે, 2023માં રિપોર્ટ જારી કરી જણાવ્યું હતું કે, કમિટીને કોઈ નિયમનકારી નિષ્ફળતા મળી નથી. તેમજ ગ્રૂપની કામગીરી અને ટ્રેક રેકોર્ડમાં કોઈ નિયમોનો ભંગ થયો હોવાનો પુરાવો પણ મળ્યો નથી. આ રિપોર્ટ બાદ અમારી કંપનીઓ પ્રત્યે લોકોનો આત્મવિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે. જો કે, સેબીએ હજી આ મામલે રિપોર્ટ રજૂ કર્યો નથી. અમે તેની તપાસમાં તમામ પ્રકારનો સહકાર આપી રહ્યા છીએ. નાણાકીય વર્ષ 22-23માં ઓપરેશનલ અને નાણાકીય પરિણામો અમારા કસ્ટમર બેઝના વિસ્તરણની સાક્ષી બન્યા છે. અમારી બેલેન્સશીટ, અમારી સંપત્તિઓ અને અમારો ઓપરેટિંગ કેશફ્લો વધુ મજબૂત બની રહ્યો છે અમે જે ગતિએ હસ્તાંતરણ કર્યું છે અને તેમાં ફેરફાર કર્યો છે. જે અદાણી ગ્રૂપની સાથે દેશની જીડીપી ગ્રોથના વિસ્તરણમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. અમે આંતરરાષ્ટ્રીય ધોરણે ઓસ્ટ્રેલિયા, ઇઝરાઇલ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં વિસ્તરણ સાથે સફળતા મેળવી છે.