છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો
અમદાવાદ, 12 માર્ચ: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.
નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી. તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છા કરી હતી.
NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા, મંત્રીએ જણાવ્યું હતું કે, સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
ટોલ વસૂલાત અને ફાળવણી (રૂ. કરોડમાં):
| નાણાકીય વર્ષ | ગુજરાતના નેશનલ હાઈવે પરથી ટોલ કલેક્શન | ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાણવણી માટે કરાયેલી ફાળવણી |
| 2020-21 | 3178.58 | 7533 |
| 2021-22 | 3744.36 | 10710 |
| 2022-23 | 4090.04 | 9831 |
| 2023-24 | 4394.82 | 10900 |
| 2024-25 | 4975.20 | 8262 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
