ટોલિન્સ ટાયર્સે સેબીમાં DRHP ફાઇલ કર્યુ
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ ટાયર અને ટ્રેડ્સ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની કેરળ સ્થિત ટોલિન્સ ટાયર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. 200 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 30 કરોડ સુધીના મુલ્યના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (OFS)નો સમાવેશ થાય છે.
ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
કંપની ઓફરની કુલ રકમમાંથી રૂ. 62.5 કરોડનો કંપની દ્વારા મેળવવામાં આવેલી કેટલીક બાકી લોન (ફોરક્લોઝર ચાર્જીસ સહિત, જો હોય તો)ની પુનઃચૂકવણી/પૂર્વચૂકવણી માટે, કંપની દ્વારા લાંબા ગાળાની કાર્યશીલ મૂડી જરૂરિયાતોના વધારા માટે રૂ. 75 કરોડ અને તેના ટૂંકા ગાળાના તેમજ લાંબા ગાળાના ઋણની પુનઃચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી માટે અને તેની કાર્યશીલ મૂડી જરૂરિયાતોના વધારા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોલિન રબર્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા માટે રૂ. 24.3 કરોડ તથા બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
ટોલિન્સ ટાયર્સ લિમિટેડે 1982માં ટ્રેડ રબરના ઉત્પાદન માટે પ્રોપરાઇટરશિપ કન્સર્ન તરીકે તેની કામગીરી શરૂ કરી હતી, 2003માં તેની સ્થાપના થઈ અને પ્રમોટર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. કલામપરામ્બિલ વર્કે ટોલિન તથા પૂર્ણ સમયના ડિરેક્ટર શંકરકૃષ્ણન રામાલિંગમ દ્વારા વર્ષ 2005માં ઉત્પાદન અને વેચાણની કામગીરી શરૂ કરી હતી. ટાયર રિટ્રેડિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ત્રણ ઉત્પાદન એકમોમાંથી તેનો વ્યાપાર કરે છે જે પૈકી બે કેરળના કલાડીમાં તથા ત્રીજું એકમ યુએઈમાં રાસ અલ ખૈમાહમાં છે. હાલ તે વર્ષે 1.51 મિલિયન ટાયર ઉત્પાદનની ક્ષમતા, વાર્ષિક 12,486 ટનની ટ્રેડ રબર ક્ષમતા અને વાર્ષિક 17,160 ટનની રબર કમ્પાઉન્ડની ક્ષમતા ધરાવે છે. ટોલિન્સ ટાયર્સે માર્ચ, 2023ના વર્ષ માટે રૂ. 4.99 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત વર્ષે રૂ. 0.63 કરોડ હતો અને કામગીરીથી આવકો રૂ. 113.4 કરોડથી વધીને રૂ. 118.3 કરોડ રહી હતી.
લીડ મેનેજર્સઃ સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)